ghaData itihasanun ek panun - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઘડાતા ઇતિહાસનું એક પાનું

ghaData itihasanun ek panun

સ્નેહરશ્મિ સ્નેહરશ્મિ
ઘડાતા ઇતિહાસનું એક પાનું
સ્નેહરશ્મિ

‘સભાપતિ, સન્નારીઓ ને સજ્જનો,

છે આજનો દિવસ આખા

દેશના ઇતિહાસમાં

મહત્ત્વનો અતિશય અને

સભા જે આજ ભાસે

અલ્પથીયે અલ્પ શી,

ભવિષ્યનો પરદેશી કોઈ

ઇતિહાસ-લેખક તે તણી

નોંધ કરતાં નાખશે નિ:શ્વાસ ઊંડા

કે, જન્મ્યો આપણા યુગ વિષે તે,

ને જન્મ્યો ભારતે,

ને ભારતે જન્મી સભામાં

આવ્યા કેરું તે

સદ્ભાગ્ય વિરલું પામિયો!’

ને વાક્ય શેઠ કપૂરચંદ

ઓચરે બીજું તે પહેલાં,

તાળી ઉપર તાળીઓ

ગાજી રહી ને મરકી આછું,

શેઠજીએ ડોક પરથી

છાતી પે થઈ ઝૂલતા,

રેશમી નિજ ખેસને

કરે બેઉ ઝુલાવતાં,

વક્તવ્ય પોતા કેરું તે

ચાલુ છટાથી રાખિયું:

‘આદિ માનવ પૃથ્વી પે

ફરતો હતો તે કાળથી તે આજ સુધી કો

માનવે નિજ હિંસ્ત્ર ટેવો છોડવા,

કદી બુદ્ધ વા ઈશુના સમા કો

સન્ત જનની પ્રેરણાથી,

યત્નો કર્યાનું હોય ઇતિહાસે ક્યહીં નોંધાયેલું,

તો જાણવું કે યત્ન તે સૌ

હતા વ્યક્તિ-વિશેષના—

કે લોક-સમૂહના!

હિંસ્ત્ર દેવો આદિ તે

કાળબળથી સૂક્ષ્મતાને પામીને,

ને ભદ્રતાના ઓપ નીચે

ભીષણ બનીને વધુ વધુ.

આજ માનવ-સૃષ્ટિમાં

કેવા સ્વરૂપે વિહરતી તે

પેખવા હે સજ્જનો,

દૂર દૃષ્ટિ નાખતાં

છે અર્જ મારી આપને કે,

સ્ટેશને વા બંદરે

જઈને ખીચોખીચ આવતી જતી વા કદી

કો ટ્રેન કે મનવાર ઉપર,

દૃષ્ટિ ઊડતી નાખજો.

ત્યાં ખાખીના ગણવેશમાં

નવલોહિયા, આશાભરેલા

સૈનિકોને પેખજો,

ને છે કો માનવી

પણ કોળિયા રણચંડીના,

સત્ય કેરી ચિત્તમાં

કરીને પ્રતીતિ ઉર મહીં

સંવેદના જે જાગી રે’

તેને ઘડીભર શોચજો.

સન્નારીઓ હે!

આપ મહીં કો હશે જનની,

બહેન કો ને પુત્રીઓ કે પત્નીઓ કો,

કો યુવક કેરી, ચમક જેની આંખમાં

જિંદગીની- આશાભરેલી જિંદગીની,

ઊર્મિમય યૌવન તણી,

તેજસ્વી ભાવિ વિકાસની

ને સફળતાથી જિંદગી

ઉલ્લાસમહીં જીવવા તણી

હા, ચમક અદ્ભુત, એવી કો

તે સ્વજન કેરી આંખમાં,

પેખતાં તમ ઉરમહીં

ઊર્મિઓની ભરતીઓ,

કેવી હશે નિત જાગતી

તે વર્ણવાને મારું બે’નો,

ગજું કશું! કિન્તુ પૂછું

કે મંદિરે વા દેવળે,

ભક્તિભાવે, આર્દ્ર હૈયે,

મૂંગી વેળા કેટલી

સફળ, દીર્ઘ અને સુખી

જિંદગીની વિરલ સિદ્ધિ

આત્મીય નિજ તે કાજ

પ્રાર્થી છે તમે?

યુવાન સહુ તે સૈનિકોને

માતા હશે, ભગની હશે વા પત્ની કૈં

તમ જેવી, તેના ઉર મહીં

વેદના ને મન્થનો

નિત્ય હશે જે જાગતાં,

કો ઘવાયા સૈનિકોને પેખતાં,

સમભાવથી તે લહી બે’નો,

કે’શો મને ક્ષણ શોચી કે,

આંખ જે - તેજસ્વી સુન્દર આંખ જે

ઈશે દીધી જે યુવકને,

તેની હણવા દિવ્ય જ્યોતિ

અધિકાર છે શો કોઈને?

કે આજાનબાહુ, વૃષસ્કંધ, તેજસ્વી કોઈ યુવાનના

પ્રચંડ, શક્તિશાળી ભુજને છેદી

તેના અંગને શસ્રો થકી કાપીકૂપી,

શિયાળ, કૂતરાં, ગીધ, સમડીથીય ભૂંડી રીતથી,

ચૂંથી ચોળી, પીંખી વીંખી,

ધૂળ મહીં રગદોળવા

અધિકાર છે શો કોઈને?’

‘ના કોઈને!' ગણગણે સન્નારી કો.

તે સાંભળીને શેઠજી

ઉચ્ચરે! ‘ના કોઈને! હા, કોનેય ના

અધિકાર છે એવા અહીં!

ને તોય અધિકાર મોંઘો

માનવીનો આજ તો જગતમાં

શોધ્યોય જડવો દુર્લભ!

છે દોષ સૌ પૃથ્વીનાં રાજ્યો તણો.

કિન્તુ મિત્રો, રાજ્ય નભતાં ‘લોક’ કેરા બળ પરે,

ને ‘લોક’ તો સહુ આપણે!

તો આપણો લોક-ધર્મ પિછાનીને

અનુરૂપ તેને જીવન જીવતાં શીખવા

આપણો યત્ન છે,

નમ્ર ને અતિ અલ્પ: કિન્તુ

અભૂતપૂર્વ અજોડ જેની

અસર મોડી વે'લીયે

વિશ્વ આખે વ્યાપશે,

ને અહિંસક સંઘ જે

આપણે છે સ્થાપવો,

તે રુદ્રની જ્યમ વિશ્વનાં

ગરલ જીરવી ઝેર સઘળાં

સુપ્રભાતે કોક દી જગ મહીં

વિશ્વ-શાન્તિ ઉતારશે!'

ઉત્સાહ કેરું મોજું ભારે

શેઠજીનાં વચનથી,

સૌ સભાજનના વદન પે

છલકી ગયું ને તાલીઓની

ઝડી રહી વરસી સતત.

સ્વસ્થ થાતાં સભ્ય સૌ

સભાપતિએ ગૌરવે,

અભિપ્રાય નિજનો ભાખતાં

વ્યાખ્યાન નિજ આરંભિયું:

“સન્નારીઓ ને સજ્જનો,

છે વિરલ ઘડી આજની,

ને સૌ જનોનુ આપણું

છે વિરલ સદભાગ્યયે

કે, શેઠજી સમ લક્ષ્મીનન્દન,

સુજન ને વળી શક્તિભાજન,

પ્રતાપી ને દાનેશ્વરી,

મેધાવી ને આદર્શસેવી,

છે આજ પડખે આપણી;

ને આજ જ્યારે દેશમાં

કોમકોમોની મહીં

દ્વેષ કેરી ઝાળ ભીષણ

વ્યાપી રહી છે ચહુદિશે,

ને કોમી હુલ્લડ આપણા

જીવન તણા સૌ મર્મ ને

કો રોગના જંતુ સમાં

શારી રે’ છે પ્રતિદિને,

તે પળે સંઘ જેનુ

છે અહિંસા ધ્યેય કેવળ,

તે તણી સ્થાપના

છે આજના યુદ્ધ-ઘેલા

વિશ્વમાં કો ઘેર મેઘલી રાતમાં

ખડકભર્યા તોફાની કોઈ સમુદ્ર વચમાં

અચલ દીવાદાંડી શી!

સજ્જનો, છે અહિંસા મંત્ર અદ્ભુત આપણો!

ને સભ્ય સૌ સંઘના

લેશે પ્રતિજ્ઞા આજ કે,

પ્રેમ ને શાન્તિ ભરેલુ,

મૈત્રી ભાવે વિકસતું,

વિશ્વ નૂતન સર્જવા

સૌ શક્તિ નિજની અર્પીને,

ધર્મ-યુદ્ધ મહીં તે

જંપ ઘડીનો માણશે ——

જ્યાં સુધી નહિ અટકશે

દ્રોહ થાતો શાન્તિ કેરો વિશ્વમાં.

સહુ જાણી આપ થશો ખુશી કે,

શેઠજીએ આપણા

લીધી પ્રતિજ્ઞા એવી છે!

ને આપણા નગર કેરા

સજ્જનોય અનેક છે

તેમની પડખે ખડા.'

‘પણ કાર્યક્રમ છે સંઘનો શો?’

સભામહીંથી કોઈના

બુલંદ પ્રશ્ને પ્રમુખશ્રીની

વાણીને ઘડી મૂંઝવી.

ખંખેરી નાખી કિન્તુ ક્ષણમાં

તેમણે નિજ ક્ષોભ તે,

હસીને પૂછ્યું, ‘શું આપને જોઈએ ભલા?’

કાર્યક્રમ! દીવા સમો છે સ્પષ્ટ તે તો

આપણા પ્રાણ મહીં

રોજના વ્યવહારમાં ને

દુન્યવી સંબંધમાં,

પ્રેમ ને નિર્વેરથી,

સત્ય ને વળી ન્યાયથી,

સભ્ય સૌ સંઘના,

જીવન નિજનાં ગાળશે;

ને આપવા તે કારણે

જે જે પડે કૈં ભોગ તેને

કાજ સભ્યો સંઘના આપણા

તત્પર રહેશે સર્વદા.’

‘જુઠ્ઠુ!’ રોષે યુવક કો ત્યાં

ગર્જિયો આવેશથી:

‘જુઠ્ઠું સૌ દંભ મિથ્યા!

બૂર્ઝવા જનોનું છે મહાન ધતિંગ આ!’

‘ઑર્ડર!’ ‘ઑર્ડર!’ એકસાથે

કંઠોમહીથી અનેક ત્યાં

વિરોધસૂચક સર્યા શબ્દો:

કિન્તુ પરવા લેશ ના કરી તેહની

વદ્યો પેલો યુવક મુઠ્ઠી ઉગામતો તે સહુ ભણી;

એક વાર, કિન્તુ કહીશ હું લાખ વાર

કે, છે બધા છળપ્રપંચો

આપણા દેશના જાગ્રત થવાને મથી રહ્યા

શ્રમજીવીઓને ઘેનમાં ફરી નાખવાના!

માફ કરજો પ્રશ્ન જો મુજ ધૃષ્ટ લાગે આપને;

કિન્તુ પૂછું : વાત હિંસા ને અહિંસા કેરી સૌ

જેણે ઉપાડી તે બધા શું તેહને અનુરૂપ વર્તન

દાખવે છે કોઈ દી કે

કદી શકશે દાખવી?’

ખળભળાટ મચ્યો સભામાં

ને એકસાથે જન ઘણા

વિધવિધ ગયા વચને વદી;

ને પ્રમુખશ્રીએ ધૈર્ય ભારે દાખવી

પાડી ધીમા સર્વને કીધી વિનંતી શાન્તિ ને

સબૂરી સભામાં રાખવા.

ને યુવક પાછો તે વદ્યો:

‘ન માનશેા ઘડી કોઈ કે,

હિંસા તણો હું છું પૂજારી!

છું કિન્તુ કટ્ટર શત્રુ હું તો

ધૂર્તતા ને ઢોંગનો.

સત્ય, ન્યાય, સમાનતા!

શબ્દ રૂડા બધા;

પણ સમાજે આપણા

છે સત્ય ક્યાં ને ન્યાય કયાં છે? છે અહિંસા ક્યાં કહો?

હું પૂછું, શેઠ કપૂરચંદ,

છે ચોકીદારો કેટલા જી આપ કેરે બંગલે?

ખંભાતી વળી કૈં કેટલાં લટકે તાળાં

લોખંડી દ્વારે આપને?

જો અહિંસા હોય ધર્મ આપનો -

ને અહિંસક મર્દને ભય ના કશોયે વિશ્વમાં,

તો ચોકીદારો રાખવા શીદને પડે આપને?

ને બંધુ લેખે સર્વ જનને

વિશ્વ-પ્રેમી વીર જે,

તે સર્વના અવિશ્વાસ કેરી

જીવન્ત જાહિરાત જેવું

તાળું કદીયે હાથ લે?

ધનિકો તણા સૌ વિપુલ વૈભવ

કાજ મિલે, ખેતરે ને સૌ સ્થળે,

કે'શો મને કે રક્ત વ્હે છે કેટલા નિર્દોષનાં?

વેદનાની લાય આવી

દક્ષ હાથે આપના

સળગી રહે છે સૌ સ્થળે;

ને જાય ના પકડાઈ નિજનાં

કૃત્ય ભીષણ હીન

તે કાજ આવા કૈંક જલસા

યોજતા નિત આપને

પેખી મને તે જૂની કહેવત

યાદ આવે આપણી કે,

રામજીનું નામ મુખમાં

ને બગલમાં છૂરી છૂપી ઝેરીલી!

પૂંજીપતિઓની અહિંસા કેરી નિતની વાત તે

વધકાજ નિર્મ્યા પ્રાણીને

વિશ્વાસ છરીનો રાખી તે શું

મૈત્રીભાવ ખિલાવવાના

ઉપદેશ આપ્યા જેવી દંભી છે બધી.

હાજિર અહીં સહુ નોંધજો -

આપના ભંડારમાં

ઢગલા સડે છે ખાદ્યના,

ને આપની મો’લાત પડખે

ખાદ્ય વિણ લેાકો સડે!

એવા સડન્તા લોકને

ઉપવાસ કેરું મા’ત્મ્ય આજે

આપ સંભળાવા ચહો -

પેખતાં મુજને સ્મરે છે

કથા ત્રીજા હાથની -

‘પુત્રો–પિતા’ નામાભિધાના

નવલકથામાં વર્ણવેલી હિન્ડસે.

ને સાંભળોજી કથા:

એકદા પૃથ્વીમાં

સાગર-તટે કો જીવજન્મ્યો,

ભલો પણ કૈં વરવોવરાક ને વામણો.

રે બિચારો વિરૂપતાને કારણે

ઠઠ્ઠા અને વિનોદ કેરું

બની રહ્યો તે પાત્ર લોકે;

ને તેથી હારી જિંદગીથી,

દીનહીન હતાશ થઈ,

નિજ વેદનાથી છૂટવા

એકાન્ત કો રાત્રિ મહીં

સાગર કિનારે તે પળ્યો.

ડૂસકાં સુણી તેહનાં

રડી પડ્યાં સૌ જળચરો ને ભૂચરો,

ને એક માદા સીલની

પાણી ઉપર આવી બોલી:

‘શીદને રુએ છે ભાઈ, તું?

છો લેાક હાંસી તવ કરે,

એથી હારી જિંદગીનો

અન્ત નવ ચહવો ઘટે.’

‘ના, ના. મને નવ રોકશો!’

વદે જીવ અભાગી તે.

‘શો સાર છે જિંદગીમાં,

ને સાર શો છે પૃથ્વીમાં?

એથી ભલું તો મોત કેરી

ગોદમાં ડૂબી જઈ

છૂટવું સૌ આંખ કેરાં ઝેરથી!'

‘નહીં’, નહી.’ વદે સીલ,

‘નવ જિંદગી તો એવી છેક નકામી છે,

છે હૈયું તારું નિર્મળું

ને આંખમાં છે અમી ભર્યું.

ને આંખ ને ઉર થકી

કલ્યાણ નિજ ને અન્ય કેરાં

શકીશ સાધી તુ ઘણાં.

નવ રો ભલા!

છે મારી પાસ અલભ્ય જેવી

એક જાદુઈ પાંસળી,

જેને પ્રતાપે થાય રક્ષા

અમ સર્વ કેરી જળચરોના શત્રુઓથી સર્વદા;

દક્ષિણાંગે સ્કંધ નીચે

લાવ દઉં મૂકી તારે,

ને પ્રતાપે કામના બધી તાહરી

ફળશે અને તું વંદ્ય બનશે

સર્વના લોકમાં!’

‘સાચું?’ પૂછે જીવ તે શંકા થકી.

‘સાચું.’ બોલે સીલ-માદા,

‘છે શર્ત કિન્તુ એક કે,

પ્રતિવર્ષ તારે એક વેળા

ચાંગળું ભરી રક્ત તારું

અર્પવું અબ્ધિને;

જે સાધશે અમ કાજ

કાર્યો પાંસળી જે સાધતી,

ને થશે જેથી જળચરોના

શત્રુઓનો હ્રાસ ને

અમ સર્વના જીવન મહીં

શાન્તિ અમૃત રેલશે.’

ને સ્કંધ નીચે દક્ષિણાંગે

સીલ-માદાએ મૂકી જ્યાં પાંસળી,

હાથ ત્રીજો ફૂટિયા તે જીવ કેરા અંગથી,

ને શિકલ ગઈ બદલાઈ તેની સર્વથા!

ચક્તિ બન્યા સૌ જીવ બીજા

શક્તિ તેની પેખતાં;

ને હાથ ત્રીજે તેહને

સંસિદ્ધિ એવી તો વરી

કે, દેવ શો તે લોકમાં

સત્કાર પૂજા પામતો

અધીશ સર્વ તણો બન્યો!

શરૂઆતમાં તો જીવ તે

સૌ યાચકોને તોષતો,

ને ધનિક નિર્ધનનો કોઈ

ભેદ એકે લેખતો;

કિન્તુ વિધ વિધ ભેટ જોતાં લોકની,

લોભમાં તે દિને દિને,

ગયો ફસી ને મેાંઘી ભેટો

આપી શકતા લેાક જે

તેમની ઉર–કામના

લાગ્યા રાદાયે તોષવા.

ને ગરીબ નિર્બળ લોક જે

શકતા ધરી ના કો બલિ,

તેમનું રહ્યું સ્થાન ક્યાં ના

તેની તે દુનિયા મહીં!

‘હાથ ત્રીજો' આમ તે

લીધા ખરીદી ધન થકી

સૌ ધૂર્ત ધનિકે, ને જગે

ત્રાસ એવો વ્યાપિયો

કે, ગરીબો તણી ઉર-હાયથી

સાગરતણુંયે નીર કૈં ખૂટી ગયું!

નિર્લજ્જ, નિર્દય ને ગુમાની

દિન દિને તે જીવ સૌ સદવૃત્તિ ને શુભ કામના

બેઠો ગુમાવી ને રહ્યો

સત્તા તણાં મૃગ વારિ પાછળ દોડતો

મચવી મૂકી ઉત્પાત ભારે લોકમાં.

‘હાથ ત્રીજે પૃથ્વી ઉપર

સ્વામિત્વ આવું હું વર્યો,

તો હાથ ચેાથો જો ઊગે

તો સ્વાર્થનો અધીશ હું

બનું ને વરું હું લક્ષ્મી ને ઇન્દ્રાણીયે'

એમ શોચી જીવ તે

સીલ-માદા પાસ જાદુઈ પાંસળી બીજી પામવા

છળ-પ્રપંચો અવનવા કંઈ ગોઠવી મનમાં રહ્યો.

પ્રતિવર્ષીની તે રક્ત કેરી અંજલિ

આપતાં તે તો હવે

લાગ્યો બતાવા અણગમો ને ઢીલ કૈં કારણ વિના,

ને અર્પતો તે અંજલિ તો

સીલ-માદા પે મહદ્ ઉપકાર કો

હાય કરતો નિત્ય તેવો ડોળ તે દર્શાવતો.

ને એક દિન તો ધૃષ્ટ તે એવો બન્યો કે,

‘હાથ ચોથા કાજ બીજી

પાંસળી જો દે તું,

તો અંજલિ મુજ રક્તની

છે મારે આપવી!’

એવું વદીને સીલ-માદાને રડાવી તે રહ્યો.

સીલ-માદા બાપડી!

નો'તી બીજી પાંસળી તેની કને,

ને એક હતી તેની પાસે

સૌ જળચરોના શત્રુઓના કાળશી,

ને દિવ્ય કલ્પતરુ સમી,

તે તો હતી તે જીવને આપી દીધી,

ને જીવ જો નહિ રક્તની

અંજલિ 'દધિને દિયે

તો જળચરોનો હ્રાસ થાતાં રોકી કોયે નવ શકે.

વિચારે દીનહીન હતાશ શી,

લળી લળી તે સીલ-માદા,

વીનવી રહી અતિ તેહને!

‘ભાઈ! બીજી છે નહિ

જાદુઈ એવી પાંસળી,

આજ તુજને શું થયું એ?

કેવો ભલો ને રહેમદિલ હતો તું વીરા!

કિન્તુ આજ તને શું ઘેલું....’

ને રોકી અધવચ તેહને

રોષથી તે ગર્જિયો:

‘ચૂપ કર, નથી ટાયલું

સુણવું મારે તાહરું—

ને સાંજ પે'લાં નહિ મને તું આપશે બીજી પાંસળી

તા જળચરોનું મોત નક્કી, સીલડી, તું માનજે.

વિવેક-ભ્રષ્ટ કૃતઘ્નીને તે

પ્રાર્થવો છે એય મેટું પાપ તે લહી સીલ-માદા

આંખ લૂછી નિજ તણી

હસીને વદી:

‘ધન્યવીરા! ધન્ય તુજને,

વીર સાચો તું બન્યો!

નહિ તે દી જેવો જિંદગીથી ત્રસ્ત ને

ભીરુ જરાયે છે રહ્યો.

પેખતાં મુજ હ્રદય રીઝ્યું,

છે યોગ્ય પૂરો ભાઈ તું

હાથ ચોથાનો નકી!’

ને એવું બેલી ડૂબકી ઘડી એક મારી

મુખ મહીં લઈ પાંસળી

આવી માદા સીલની.

‘લાવ, ડાબા સ્કંધ નીચે દઉં મુકી!'

બાલી તેણે જીવને બોલાવિયો,

ને હોંસથી

અતિ ચપળતાથી સીલ-માદાએ લીધી ઝટ ખેંચી તે

જૂની જાદુઈ પાંસળી -

ને હાથ ત્રીજો તે ખર્યો,

ને જીવયે હતભાગી તે

બેડોળ, મૂજી, વામણો કૈં પૂર્વ શો ત્યાં થઈ રહ્યો!

છે સાર સ્પષ્ટ કથા તણો:

સાધનો ઉત્પત્તિ કેરાં

છે હાથ ત્રીજો વિશ્વમાં,

કો ધૂર્ત લોકો દુષ્ટતાથી

સાધના ઝૂંટવી,

યુગયુગોથી ત્રાસ વર્તાવી રહ્યા છે વિશ્વમાં.

ધર્મની ને કોમનાં ક્લ્યાણની,

ને અહિંસા કેરીયે

વાત રોજ નવી નવી

આપણે ને પૂર્વજોએ આપણા

સુણી છે ઘણી -

કિન્તુ કો દી સૌ અનિષ્ટો કરું છે જે

મૂળ તે સંપત્તિ કેરી વેં’ચણીની

સુણી છે કદીયે વાત કોએ?

અન્ધ હતી જનતા કદી,

વા આજ છે તે આંધળી

એવું રખે કો માનશો!—

તે તો રહી છે ઝૂઝતી

મર હાંફતી કે થાકતી—

અન્યાય સામે સર્વદા!

કિન્તુ નિજનાં દુઃખનાં

કારણ તણું નવ પૂરું તેને ભાન છે,

ને કોઈ વેળા સત્ય સાચું તે લહે

તો તે પહેલાં શેાધી યુક્તિ નવી નવી,

કદી ધર્મ નામે, રાષ્ટ્ર નામે વા કદી,

કે શત્રુઓના આક્રમણની

વાત કલ્પિત જોડીને,

તે જાગૃતિને આત્મ-ઘાતક

માર્ગ માંહી દોરવા

યત્નો થયા છે આજ સુધીમાં અલ્પ ના,

ને અહિંસા કેરીયે

વાત છે જાગતા જગ પ્રાણને

આત્મ-ઘાતક ઘેનમાં ફરી નાખવાની.’

ધારા અખંડ વકતવ્ય કેરી

યુવક કેરી આમ તે

વે’તી રહી ને વાત તેની તે ફરીથી સાંભળી

લોક કંટાળ્યા ને તહીં કો સજ્જને

સૂચના કરી એવી કે:

“સભા કેરી રૂખ જોતાં,

ને પ્રશ્નનું ગાંભીર્ય જોતાં,

પ્રસ્તાવ કરું છું હું રજૂ

કે સંઘ કેરી સ્થાપના

મુલ્તવી દિન રાખી થોડા

ફરી મળવું આપણે—

ને ત્યાં સુધી હાથ ત્રીજાના નિદર્શક

કૉમરેડે ને વળી શ્રી શેઠજીએ

ભેગા મળીને સંઘ કેરા ધ્યેય પે

ચર્ચા કરી, સંપૂર્ણ એવી હોય પ્રેય થકી ભરી

યોજના કરવી રજૂ-”

ને કૉમરડ સહિત બધા સભ્યે

સત્કારી લીધી સૂચના.

ને શેઠજીએ, પ્રમુખશ્રીએ

અન્ય વળી કૈં સજ્જને,

‘હાશ!’ કરીને શ્વાસ હેઠો મૂકિયો

કે, દિન બગડતાં તો બચ્યો!—

ને બચ્યો જેનો દિવસ તેની

બાજી કૈંક બચી તો!

સ્રોત

  • પુસ્તક : સકલ કવિતા (પૃષ્ઠ ક્રમાંક 207)
  • સર્જક : સ્નેહરશ્મિ
  • પ્રકાશક : વિદ્યાવિહાર પ્રકાશન
  • વર્ષ : 1984