aajna shambuk ramne - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આજના શંબુક-રામને

aajna shambuk ramne

આનંદ સોંદરવા આનંદ સોંદરવા
આજના શંબુક-રામને
આનંદ સોંદરવા

તું શૂદ્ર છે, દલિત છે, અછૂત છે, અપવિત્ર છે...

પૂજાપાઠ, વેદમંત્રો, શિક્ષા દીક્ષા થાય નહીં.

યાદ કર ઇતિહાસ...

શંબુક ઋષિએ રામ પૂજ્યા,

વૃક્ષ શાખાએ અધોમુખ લટકીને...

રામરાજ્યમાં-

પિતા પહેલાં પુત્ર મર્યો, શંબુકની ભક્તિથી...

વસિષ્ઠ વચન- શૂદ્રને તપ શાં?

આને રામરાજ્યનો પ્રભાવ તૂટ્યો,

પિતા પહેલાં પુત્ર મૂઓ... શંબુકના કારણે...

પુષ્પક વિમાને ચઢી, મર્યાદા પુરુષોત્તમ રામે,

લક્ષ્યવેધી બાણથી શંબુક વીંધ્યો...

હે મર્યાદા પુરુષોત્તમ ક્યાં ગઈ તારી મર્યાદા?

તારા ભક્તનો શિરચ્છેદ કરતાં-

હૈયું ચિરાયું નહીં?

તને પેરેલિસિસ કેમ થયો?

અને-

હે શંબુક મુનિ!

તને ખબર નોતી

જડ વર્ણવ્યવસ્થાના નિયમોની?

દંડકારણ્ય સહેવાની ફરિયાદ કોની સમક્ષ કરું?

કોની સામે વિદ્રોહ કરું?

કાશ, આધુનિક શંબુકો... જાગો, ચેતો, કાન ખોલો...

આજે રામરાજ્યનો મંત્ર ગૂંજે છે.

તમે શંબુક બનશો તો?

રહેંસાઈ જશો, આંસુ સારનાર કોઈ નહીં બચે...

ભૂલથી વાલ્મીકિએ ‘શંબુક કાંડ’ રામાયણમાં લખ્યો

પણ

તમારી હત્યાના સમાચારો છાપવા

આધુનિક ભારતની ચોથી સત્તા જેવાં અખબારો પાસે

જગ્યા નહીં હોય...

ને કદાચ...

તમારા દફન માટે કફન નહીં હોય.

તમારાં મડાં માટે કબર નહીં હોય.,

-કેમકે

હજુ આજેય રામ જીવે છે.

રામના વટાળ વંશજો જીવે છે.

અને...શંબુક જીવે છે.

કરોડો શંબુકો

રામના લક્ષ્યવેધી બાણથી મોક્ષપ્રાપ્તિની પ્રતીક્ષામાં

મરવાના વાંકે જીવે છે.

સ્રોત

  • પુસ્તક : વિસ્ફોટ (પૃષ્ઠ ક્રમાંક 112)
  • સંપાદક : ચંદુ મહેરિયા
  • પ્રકાશક : દલિત સાહિત્ય સંઘ
  • વર્ષ : 1984