haa - Free-verse | RekhtaGujarati

મેં કહ્યું

હા.

ઈંડાં ફોડી પંખીઓ બહાર આવ્યાં, પરોઢનો કેસરી સૂરજ કેવડાની ડાળે ડોકાયો, મૂળ પાસેથી

કાળી ચીકણી માટી ઊઘડતા લીલા રંગની કૂંપળનું રૂપ ધરી વૃક્ષની તરફ આવી પહોંચી

ને સાથોસાથ વધસ્તંભ પર ઝૂકેલા ભરાઉ ખભા વચ્ચે જાડા રાતા લોહીના રગડા

બહાર આવ્યા.

હા પાડતાં પહેલાં હું કેટલું ખમચાયો હતો.

જાણ હતી મને શબ્દના ભયંકર સૌન્દર્યની.

હાડકા સુધી મૂળ ઘાલીને ગૂમડું થયું હોય ને પાકે નહીં ને પછી પાકે ને સફેદ મોં થાય ને

સણકે ને પછી લબકારા લે ને રાતમાં એક ખાનગી પીળો સૂરજ બની ઝળહળે ને આંખને

આંજી નાખે ને ગોગલ્સ તો મળે નહીં ને અનિદ્રા ને છેક છેલ્લે ફૂટે ફૂટે તે હા.

હા તો અડધી–પડધી પડાય નહીં.

પેલી હા–ના વાળી હા તે જુદી જ.

હું તો આખરી હાની વાત કરું છું.

ઈંડુ ફોડીને માત્ર પરુના રેલા બહાર આવ્યા

મેં કહ્યું

હા.

ને આસપાસથી ખસી ગયા લોકો

હાથ પાછા ખેંચાઈ ગયા

દોસ્તોએ લંબાવેલા હાથ

વેરીઓએ ઉગામેલા હાથ.

બહુ મોટી કિંમતે પાડી શકાય

હા–નાના પ્રદેશમાં.

જ્ઞાનનાં અફાટ નગરોની હારમાળાઓનો હું મુસાફર. પ્રવાસ–કથા નહીં,

ત્રણ ખંડોની સંસ્કૃતિની નિવાસકથા લખવાની હોય, મારે, અત્યારે,

ત્યારે

એવું કશુંક બન્યું કે શહેરના સીમાડા પાસેનું પાટિયું વંચાયું :

આશા રાખીએ છીએ કે નડિયાદ ગામમાં આપને સુખસગવડ મળ્યાં હશે.

ફરી પધારજો.

પાટિયાની બીજી તરફ જઈને મેં જોયું,

મને હતું કે ત્યાં યે, હમેશ મુજબ, એવું લખાણ હશે,

પેલી તરફના પેરિસ ગામ વતી, જેનો સીમાડો પેલી તરફથી આવનાર માટે પૂરો થાય.

પાટિયાની બીજી બાજુ

કોરીકટ.

પાટિયાની કોરી બાજુને મેં હા પાડી છે.

આના કરતાં નાનકડી નાનકડી હાઓ પાડી હોત તો સારું થાત, એમ ક્યારેક લાગી આવે.

નાનકડી હા પાડો ને ભલા–ભોળા લોકો દોડી આવે.

‘ફરિસ્તા ફરિસ્તા’, ‘સેવિયર કમ.’ ‘બચાવો, પ્રભુ’

ને માને કે બચી જશે

પવિત્ર, ભાઈચારાભર્યું.

કુદરતનું સૌંદર્ય કેમ નથી વર્ણવતા તમારી કવિતામાં? એમ

પૂછતા હતા હા-ના તાલુકાના એક શ્રીમંત ખેડૂત.

તો સાંભળો

મેં હા પાડી છે હિપોપોટેમસના ઝબકોળાવાથી કલહાસ્ય કરી ઊઠેલી નદીને, ને નદીની

ઉત્તરે બરફના પહાડમાં બેસતા હૂંફાળા ઉનાળાને.

હવે જે પૂર આવશે અત્રેના તાલુકાનાં ગામોને ધોઈ નાખતું,

પૂરની આડે કોઈ હાથ નહીં દઈ શકે.

ખોરડામાં ઝડપી આગ લાગે ને માણસો ભાગી છૂટે ને ગમાણમાં ખીલે બાંધેલાં જાનવર

સાંકળને ખેંચાખેંચ કરે ને ઝાળ નજીક ને નજીક આવતી જાય ને તાપ વધતો જાય ને તેજ

વધતું જાય ને આંખો મીંચાઈ જાય ત્યારે તંગ મીંચેલી આંખો સામે દેખાઈને જે કુદરત કહે

કે, ‘હા પાડ, જનાવર હા પાડ’,

એને મેં હા પાડી છે.

પછી એકાન્ત જોઈને ઈંડાં ફોડીને કોણ કોણ બહાર આવ્યું?

ચકોરનાં બચ્ચાં ને સમડીનાં બચ્ચાં.

પોયણાને ને કમળને બન્નેને ખીલવાની તમે એક હા કહો ત્ચારે

તમારા આકાશમાં કયો સમય હોવો જોઈએ, જાણો છો?

હા તો બોલનારનો છેલ્લોવેલ્લો શબ્દોચ્ચાર. હા પાડ્યા પછી માત્ર

મૌન.

(૧૯૭૫)

સ્રોત

  • પુસ્તક : જટાયુ (પૃષ્ઠ ક્રમાંક 73)
  • સર્જક : સિતાંશુ યશશ્ચન્દ્ર
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2009