ilinauis yuniwarsitina ek myujhiyamman - Free-verse | RekhtaGujarati

ઇલિનૉઇસ યુનિવર્સિટીના એક મ્યુઝિયમમાં

ilinauis yuniwarsitina ek myujhiyamman

ઉશનસ્ ઉશનસ્
ઇલિનૉઇસ યુનિવર્સિટીના એક મ્યુઝિયમમાં
ઉશનસ્

છેવટે તારે ને મારે છે શું, ઓ પશ્ચિમ?

ત્યાં આપણું એકાદ ઘડી-અધઘડીનું

અમથું જ મળી જવું, ને તેનો

આટલો મોટો તે ઉપાડો હોય?

(હા, તું તે મ્યુઝિયમની સૌથી વધુ સુંદર ચીજ હતી,

તે જુદી વાત છે)

ન કઈ વાતબાત,

ન કંઈ ન્યાતજાત,

મળ્યા ભાઈની પ્રીત,

તેનો આવડો મોટો તે ઉપાડો હોય આટલે છેટ્ટે?

ઘેર પાછો આવી ગયો છું

અને લાવ્યો છું તારી એક રહસ્ય વાત;

સાન્તાક્રૂઝના એરપોર્ટના

કસ્ટમ અધિકારીઓથી છુપાવી

એક તારો ચહેરો સ્મગલ કરી લાવ્યો છું ને હવે જોરથી ધડકું છું

દમિયલની માફક તેની ઉપર ઝૂકીને

લે, તને આ સાત સાત સાગર પારથી એક અનામત ચુંબન મોકલું છું

ત્યાં જે તને ન અપાયું તે—તને

ને તારા બ્હાને આખા પશ્ચિમના ચહેરાનેય...

(૧૧-૧ર-૭૬)

સ્રોત

  • પુસ્તક : ઉશનસ્ સમસ્ત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 621)
  • સર્જક : ઉશનસ્
  • પ્રકાશક : કવિશ્રી ઉશનસ્ અમૃત મહોત્સવ સન્માન સમિતિ
  • વર્ષ : 1996