ame iDariya paththro - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અમે ઇડરિયા પથ્થરો

ame iDariya paththro

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
અમે ઇડરિયા પથ્થરો
ઉમાશંકર જોશી

[ફોટોગ્રાફ-કલાકાર શ્રી અશ્વિન મહેતા માટે]

મુઠ્ઠી ભરીને નાખેલ

બેફામ આમતેમ

કોઈ ક્રુદ્ધ દેવે

કાળની કચ્ચરો-

અમે ઇડરિયા પથ્થરો.

ભેંકાર તોતિંગ નગ્નતા

બખોલ ભરેલું મૌન

ભેખડે ઝઝૂમતી એકલતા

પીઠ પર વાયુવરસાદના વાઘજરખ નખ-ઉઝરડા.

ટોક માથે અઘોર માનવની મેડી

-રૂઠ્યાં મનનું માળિયું;

ક્યાંક આભઆધારે અભયચોકી;

ગઢની કરાડે અધભૂંસી સાહસપગથી;

પથ્થરિયા છાતી પર રૂપકડાં મંદિર-છૂંદણાં...

ક્યાંક પડ્યા વેરવિખેર

ક્યાંક ગેબી ઢેર

કોઈ એકાક્ષ મહોરો

એકપંખ વિહંગ

ગેંડો પાડો ઊંટ

જાણે કાપાલિકની વિરાટ ખોપરી

કોઈ તપસીનું રુદ્રસિંહાસન

કોઈ અલૌકિક રૂપસી....

અંધ કૅમેરા-ચક્ષુ

જોઈ લે કંઈ કંઈ અનોખા આકાર રમ્ય સહુમાં,

તો પ્રેમની દેખતી આંખ માટે શું પથ્થરો કેવળ

મેલા ઘેલા

અમે ઇડરિયા પથ્થરો?

અમદાવાદ, (ઉત્તરાયણ) ૧૪-૧-૧૯૭૭ (ધારાવસ્ત્ર)

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ ઉમાશંકર (પૃષ્ઠ ક્રમાંક 84)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2005