hun kahun tem karo - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હું કહું તેમ કરો

hun kahun tem karo

નીતા રામૈયા નીતા રામૈયા
હું કહું તેમ કરો
નીતા રામૈયા

હું કહું તેમ કરો

ક્યારેય નહીં તો આજે તો કરો

વધુ નહીં તો ખાલી પાના ઉપર

તમારી આંખની ધારે ધાર કાઢતા શબ્દોને વાંચ્યા પછી

હું કહું તેમ કરો

ક્યારેય નહીં તો આજે પાના ઉપર

ડાકણનું પુલિંગ કરો

ડાક-ઘર આસપાસ હોય તો ભલે રહ્યું

કણ એક માટે પરસેવો પાડો પણ

ગમે તેમ કરીને ડાકણનું પુલિંગ કરો

એક લાજવાબ ઘર વિશે જવાબ આપો : વેશ્યાઘર -

તે સ્ત્રીનું ઘર કે પુરુષનું ઘર કે બંનેનું ઘર

કાયદાનાં થોથાં ઉથલાવવાનું માંડી વાળો

વેશ્યા જો સ્ત્રી હોય તો તેની પાસે જનાર પુરુષને

કોઈ નામ આપો

દામ આપીને કામ પતાવતા કામ-પંથીઓ માટે

કરવા જેવું કામ છે

ગૃહિણી અને ગૃહપતિનું કાર્યક્ષેત્ર નક્કી કરો

છાપું વાંચ્યા પછી

ચાના પ્યાલામાં વાવાઝોડું જોતા પુરુષને

કૂકરમાં ભેગી થતી વરાળનું રહસ્ય સમજાવો

અને સમજાવો તેને કે સ્ત્રીનું મગજ ક્યારેક

ક્યારેક કૂકર જેવું બની જાય

જો હૈયાની વરાળ ઠાલવવા જેવું પાત્ર તેને મળે તો

પાત્ર એટલે કેવું પાત્ર તેની વ્યાખ્યા આપો

પુરુષનું મંગળ ઇચ્છતી સ્ત્રી

તેના નામનું સૂત્ર ગળે વીંટતી હોય તો

સ્ત્રીનું મંગળ ઇચ્છતા પુરુષના

ગળામાં કયું સૂત્ર શોભે

તેની સવિસ્તર ચર્ચા કરીને

બંધબેસતો ઉત્તર આપો

ક્યારેય નહીં

તો આજે તો આટલું કરો

વધુ નહીં તો ખાલી આ પાના ઉપર.

સ્રોત

  • પુસ્તક : દાખલા તરીકે, સ્ત્રી... (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સર્જક : નીતા રામૈયા