hwe e baranun bandh karawun joie - Free-verse | RekhtaGujarati

હવે એ બારણું બંધ કરવું જોઈએ

hwe e baranun bandh karawun joie

મણિલાલ દેસાઈ મણિલાલ દેસાઈ
હવે એ બારણું બંધ કરવું જોઈએ
મણિલાલ દેસાઈ

હવે એ બારણું બંધ કરવું જોઈએ.

સમુદ્રને એની જ ખારાશથી બોદાશ લાગે,

ચંદ્રની સપાટીનો ચળકાટ ઝાંખો પડે,

સૂર્ય પર ઝાંખાં ઝાંખાં પડો બાઝી જાય,

તે પહેલાં

મારે આ બારણું બંધ કરવું જોઈએ.

સ્વપ્ન હતું :

એની અંદરના એકાન્તને નિખિલમાં વેરી દેવાનું;

એની અંદર ગળું દાબી બેસી રહેલા હાસ્યને

કોયલને ગળે બાંધી વસંતમાં રમતું મૂકવાનું.

પણ

બારસાખે લટકતાં ચોકિયાત ફૂલોની બેધારી નજર

હવે ચૂકે એમ લાગતું નથી.

એ બારણું બંધ થવું જ જોઈએ.

નહીં તો

રાતે વેદનાને દોરડે લટકતું મારું શબ

રોજ સવારે તમારે જોવુ પડશે.

નિખિલ : સમગ્ર. સમસ્ત.

સ્રોત

  • પુસ્તક : રાનેરી (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સર્જક : મણિલાલ દેસાઈ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1987
  • આવૃત્તિ : 2