e chhokrinun ghar - Free-verse | RekhtaGujarati

એ છોકરીનું ઘર

e chhokrinun ghar

જ્યોત્સના ત્રિવેદી જ્યોત્સના ત્રિવેદી
એ છોકરીનું ઘર
જ્યોત્સના ત્રિવેદી

ડ્રગ્ઝ, સ્મગલિંગ, બ્લેક-માર્કેટિંગ

બદલાયેલા સેક્સ્યુઅલ કોન્સેપ્ટ્સ, મોડલિંગ

થોડોક ડિસ્કાઉન્ટ નબળી ચીજો માટે

ને એક્સ્ટ્રા પેમેન્ટ ઓવરટાઈમ માટે ઓફિસમાં–

હજીયે ભણાવ્યે જાઉં છું છોકરીઓને કોલેજમાં

મૃચ્છકટિક, રઘુવંશમ્ ને શાકુંતલ

હજીયે પડતી સંસ્કૃતિના તિતરબિતર દિવસોમાં

શીખવ્યે જાઉં છું ‘સરસ્વતીચંદ્ર’ની ગુણિયલનો ગૃહસંસાર

ને વર્ગમાં ભણતી દરેક છોકરી ઝંખે છે

એવા એક નાનકડા ઘરને

જેનાં વાંસ અને બદામડીનાં પર્ણોમાં માળા હોય ચકલાં ને કાબરના

મધમાખીઓ ગણગણતી હોય એણે સાંભળેલી વાર્તાઓ જેવી

પ્રાંગણના આંબાની ડાળ ઉપર–

મધમધતું હોય ગુલાબ અને મોગરાથી એનું નનકુંક પ્રાન્તર

ને બપોરની વિશ્રંભકથાઓ વેળાએ

વાંચતી હોય કોઈ નવી કવયિત્રીનો કાવ્યસંગ્રહ–

પણ અચાનક અટકી ગયેલા ટ્રાફિકમાં

ને હોલવાઈ ગયેલી સીલિંગની નીઓન લાઈટ્સનમાં

એને ખબર પડે છે કે

જ્યાં હોવી જોઈએ ત્યાં નથી, એના કેન્દ્રમાં ધરી નથી ધારિત્રીની

ને એણે કલ્પેલા ઘરમાં કી એનું નામ સુદ્ધા જાણતું નથી

અને અચાનક મધપૂડા પર પથ્થર વાગી જતાં

મધમાખીઓ વ્હાવરી બનીને પુનઃ પુનઃ શોધ્યા કરે પેલી આંબાની ડાળને

એમ ગોત્યા કરશે

મકાનના તળિયાથી પરની વિલાયતી ટાઈલ્સ લગી

બાથરૂમમાં, કિચનમાં, દીવાનખાનામાં, બેડરૂમની બારી બહાર તૂટેલા

આકાશમાં એનું ઘર

જે નવલકથાઓ અને મહાકાવ્યો શીખતાં શીખતાં

સતત બાંધ્યાં કર્યું હતું વર્ષોથી એના હૃદયમાં–

શબ્દોનાં ઈંટ અને પ્લાસ્ટર ઓફ પેરિસથી...

સ્રોત

  • પુસ્તક : અક્ષરા (પૃષ્ઠ ક્રમાંક 53)
  • સંપાદક : યોસેફ મૅકવાન
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઈન્ડિયા
  • વર્ષ : 2007