સિલ્વિયા પ્લાથ
Sylvia Plath
ચન્દ્ર હસે તો તારા જેવો લાગે.
કોઈ સુંદર પણ સંહારક વસ્તુની છાપ
(ચન્દ્રની જેમ) તું પણ મૂકી જાય છે.
તમે બન્ને ઉછીનો પ્રકાશ લેવામાં એક્કા છો –
તેનું ગોળાકાર મુખ દુનિયા પ્રતિ ગમગીન છે;
તારું નિર્લેપ છે.
તારી પહેલી ભેટ તે
પ્રત્યેક ચીજને પથ્થરમાં ફેરવી નાખવાની
તારી શક્તિ.
હું જાગીને જોઉં છું તો
મકબરો છે ને તું છે –
આરસના ટેબલ ઉપર આંગળીઓથી ટકોરા મારતો
સિગારેટ શોધતો
સ્ત્રી જેવો કિન્નાખોર, પણ એટલો નર્વસ નહિ;
જેનો ઉત્તર અશક્ય હોય
એવો પ્રશ્ન પૂછવા મરણિયો.
ચન્દ્ર પણ પોતાના આશ્રિતોને અપમાને છે
પણ દિવસે તો તે હાસ્યાસ્પદ લાગે છે;
જ્યારે તારા અસંતોષના સંદેશા તો
સફેદ અને કોરા કાર્બન મોનોક્સાઈડની
જેમ વિસ્તરતા
ટપાલપેટી દ્વારા પ્રેમની નિયમિતતાથી આવતા રહે છે.
આફ્રિકામાં વિચરતાં વિચરતાં પણ તું
મારો વિચાર કરે છે.
તારા સમાચાર વગરનો સલામત દિવસ
કોઈ હોતો નથી.
(અનુ. ભાલચંદ્ર ભટ્ટ)
સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 101)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
