‘premne karno sathe–’ - Free-verse | RekhtaGujarati

‘પ્રેમને કારણો સાથે–’

‘premne karno sathe–’

વિપિન પરીખ વિપિન પરીખ
‘પ્રેમને કારણો સાથે–’
વિપિન પરીખ

મને મારી ભાષા ગમે છે

કારણ બાને હું બા કહી શકું છું.

‘મમ્મી’ બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં.

તે દિવસે ખૂબ રૉફથી વાઘ માર્યો હોય એમ

મેં ‘મમ્મી’ કહીને બૂમ પાડેલી.

બા ત્યારે સહેજ હસેલી–

કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડમાંડ લખી શકતી.

બા બૅંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી.

અને

રાત્રે ‘લાયન્સ’ પાર્ટીમાં ગઈ હોય એવું પણ નથી.

બા નવી નવી ‘ડીશ’ શીખવા ‘Cooking Class’માં ગઈ નહોતી.

છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર થાળીમાં જે મૂકતી

તે બધું અમૃત બની જતું.

મને મારી ભાષા ગમે છે.

કારણ મને મારી બા ગમે છે.

સ્રોત

  • પુસ્તક : તલાશ (પૃષ્ઠ ક્રમાંક 79)
  • સર્જક : વિપિન પરીખ
  • પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રાઇવેટ લિમિટેડ
  • વર્ષ : 1980