ghetan - Free-verse | RekhtaGujarati

વાડામાં રહ્યે રહ્યે

એમને થાય

કે

વધી રહ્યું છે જ્ઞાન

પણ

હકીકતમાં તો વધતું હોય છે ઊન.

જ્યારે

ઊન ઉતારીને

એમનાં શરીરને

બીજા પાક માટે તૈયાર થયેલાં ખેતર જેવાં

બનાવી દેવાય છે

ત્યારે પણ એમને એવું લાગે છે

કે

પોતે નિ:સ્પૃહ બની મોક્ષ તરફ ગતિ કરી રહ્યાં છે.

સાંકડા વાડાઓમાં પુરાયેલાં જથ્થાબંધ ઘેટાં

માથાં ઊંચકીને

સતત એકબીજાને ઈજા પહોંચાડતાં રહે છે.

એમના માલિકો

એમની ઓળખાણ સરળતાથી થઈ શકે માટે

એમનાં શરીર પર

ગળી-મટોડી

કે લાલ-લીલા રંગ સતત ચોપડતા રહે છે

જેને ઘેટાં પોતાની ચેતના પર ધારણ કરી

શ્રદ્ધાપૂર્વક નિભાવ્યે રાખે છે.

સૂર્યોદય થતાં

તેઓ શિસ્તબદ્ધ સંયમી

મૂલ્યબોધની સભાનતાવાળાં

આંદોલનકારીઓની આગવી છટાથી

નીકળતા હોય છે

અને

ત્યારે

જાણે સમગ્ર સૃષ્ટિ ઊંધુ ઘાલીને એમની સાથે ચાલી રહી છે

એવો ભ્રમ સર્જી જતાં હોય છે ઘેટાં.

ખુલ્લામાં ચરતાં હોય છે ત્યારે

હવા એમનાં કાનમાં કશુક કહેતી હોય છે

ખળખળ વહેતી નદી એમની નજરે ચડવા ઉત્સુક હોય છે

ઉન્નત પર્વતમાળાઓ

એમનાં ઝૂકેલાં માથાંઓને પ્રેરવા તૈયાર હોય છે

સૂર્ય આથમવા સુધી પ્રયત્નશીલ હોય છે

એમની દૃષ્ટિનો વ્યાપ વધારવા

પણ ઘેટાં!!!

મરતાં નથી

પણ

વધેરાય છે

માલિકોની જરૂરિયાત માટે

અને

ગુણાંકમાં વધારતાં રહે છે પોતાની સંખ્યા.

ક્યારેક

સપનામાં પણ

આખેઆખા પૃથ્વીના ગોળા પર

ઘેટાં દેખાય છે

અને

મને લાગે છે

કે

ઘેટાંથી ડરવા અને ચેતવા જેવું તો છે જ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2000 (પૃષ્ઠ ક્રમાંક 54)
  • સંપાદક : ધીરેન્દ્ર મહેતા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2003