ghetun chhe - Free-verse | RekhtaGujarati

ઘેટું છે. ઊઠતાં વાર લાગે.

પણ તને ઉઠાડ્યે છૂટકો.

તારી ઊન ઉતારવાની છે,

જેમ બધાંની ઉતારવાની છે તેમ.

સિઝન છે ઊન ઉતારવાની.

હા

આગળ ચાલે છે બધાં તેની પાછળ પાછળ ચાલ.

શિયાળે શીતળ વા વાય

ઠરી જાય ગાત્રો ડિમૉક્રસીના

તે પહેલાં

તારી ઢંકાયેલી ખાલને નગ્ન કરવાના સરિયામ સત્યમાં

તારો ફાળો

ઊનનો.

તારો મતાધિકાર ખાલ ઉતારનારાની પસંદગીનો.

એમાં તારી પાસે નથી તે ગુમાવવામાં ભય નથી.

તારાં ફાંફાં

એક ઘેટું બની રહેવાનાં અકબંધ રહેશે.

સ્રોત

  • પુસ્તક : ખખડતી ખેંચે કવિતા કોણ? (પૃષ્ઠ ક્રમાંક 184)
  • સર્જક : લાભશંકર ઠાકર
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2005