khoraDun - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ફરી પાછું ખોરડું ચૂવે;

એકબીજાને બાથ ભીડીને નળિયાં રાતાં પાણીએ રુવે,

આજ ફરી પાછું ખોરડું ચૂવે.

કાલ સુધી તો તૂટલી વાંસ-ખપાટમાંથી રોજ ઊતરી હેઠે

ચાંદરણાં કો’ક ચીતરી જાતું;

(એ) ગાર તણી પરસાળ આછા અંધારથી લીંપી

કોઈ આજે એના અણુઅણુમાં ઊતરી જાતું.

ચાળણી જેવું છાપરું જળતી જાતને નેણનાં નીરથી ધૂવે.

ફરી પાછું ખોર઼ડું ચૂવે.

ઉપર આડા મોભ ધરુજે, બારીઓ-બારણાં હીબકાં ખાતાં,

બેય બાજુની લથપથે ભીંત રેલેરેલે એનાં ધોળ ધોવાતાં,

માંહ્ય રે’નારાં વલખે

- ને દૂર ચાળનારાં વણથડક્યાં સૂવે!

આજ ફરી પાછું ખોરડું ચૂવે.

(૧૫-૬-૧૯૫૮)

સ્રોત

  • પુસ્તક : અથવા અને (પૃષ્ઠ ક્રમાંક 157)
  • સર્જક : ગુલામમોહમ્મદ શેખ
  • પ્રકાશક : સંવાદ પ્રકાશન અને ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
  • વર્ષ : 2013