ઘારણ
ghararan
પીયૂષ ઠક્કર
Piyush Thakkar

કો’ક લાંબી મૂસાફરી પર જવાની જાણે
આ તૈયારી તો નથી ને!
અથવા તો કો’ક ખેપેથી પાછાં ફર્યાની
આ નિશાની?
શિયાળે રીંછ ઘારણમાં ચાલ્યું જાય
એમ વીતે છે મારા દિવસો ને રાત
એક જ જગાએ
એક જ ખૂણે
ઘૂંટણ છાતીએ ચાંપી
એકલવાયા
ચૂપચાપ.
ધીમા ધીમા અવાજોમાં
આઘાપાછા અજવાળામાં
ઊંધમુંધ અંધારામાં
પડખાં ઘસું છું
થાક ઊતરે છે કે
થાક ચઢે છે.
કળ વળતી નથી
ગમ પડતી નથી
બીડેલી આંખના આકાશે
ભાળું ક્યારેક હંસોની લાંબી કતાર
તો ક્યારેક ઓરડીની નિર્જનતામાં ચાલ્યાં આવેલાં
પારેવાંની ભોંઠપે ઘડીક જાગું, ને ફરી
ફફડાટોના પડઘે
કે પ્રહરોના લંબાતા પડછાયાની આડશે
પોઢી જાઉં.
સરી જાઉં ધૂપછાંવના એ જગતમાં
એ ઘારણમાં.



સ્રોત
- પુસ્તક : ધીમું તબકતો ભૂખરો કોલસો (પૃષ્ઠ ક્રમાંક 69)
- સર્જક : પીયૂષ ઠક્કર
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 2025