Gayo...bijo ek bhalo manas gayo - Free-verse | RekhtaGujarati

ગયો.... બીજો એક ભલો માણસ ગયો

Gayo...bijo ek bhalo manas gayo

સદાનંદ રેગે સદાનંદ રેગે
ગયો.... બીજો એક ભલો માણસ ગયો
સદાનંદ રેગે

ગયો... બીજો એક ભલો માણસ ગયો.

પહેલી તારીખથી પહેલી તારીખ સુધી તે હપ્તે હપ્તે જીવ્યો.

છેલ્લી તારીખથી છેલ્લી તારીખ સુધી તે ક્ષીણ થતો થતો મર્યો.

પુસ્તકો વાંચીને તેણે આંખ ખરાબ કરી નાખી નહોતી.

ગાતાં શીખવાનું શરૂ કરીને તેણે પાડોશીઓને પીડ્યા નહોતા.

ઑફિસમાંથી તે ક્યારેય દસ પહેલાં પાછો આવ્યો નથી.

ઘરે આવતાં ઇધર ઉધર નજર કરી નથી.

વાંદાને...માંકડને...છોકરાંને કદી હાથ અડાડ્યો નથી.

ભૂલથીયે કદી સ્ત્રીના રસ્તામાં ગયો નથી.

મર્યો પણ કેટલો ગુપચૂપ...ચૂપચાપ...ચૂપચાપ

આવી તેના આયુષ્યની તપકીર છેવટે ખલાસ થઈ.

પણ કાલે તેના પિંડને કાગડો કેમ અડ્યો નહીં?

કાંદાનાં વાસી ભજિયાં પર તો તેનું મન ગયું નથીને?

(અનુ. જયા મહેતા)

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 140)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ