gati sthiti - Free-verse | RekhtaGujarati

ગતિ-સ્થિતિ

gati sthiti

મૂકેશ વૈદ્ય મૂકેશ વૈદ્ય
ગતિ-સ્થિતિ
મૂકેશ વૈદ્ય

ક્ષિતિજ સુધી લંબાયેલા મારા બન્નેય હાથ

સરક્યે જતું સંતરું પકડવા

વલખી રહ્યા છે.

જ્યાં કશે, જે કંઈ જરી, જેવો મળે તેવો

મારે પૃથ્વીનો ગર ચાખવો છે.

નાની ટચુકડી આંગળીમાં રસછલકતું

મબલખ પડેલા સંતરાના ઢગ જેવું

બાળપણ

ઊંઘમાં ટપક્યા કરે છે.

હાથ વલખ્યા કરે છે.

પૃથ્વી સરક્યા કરે છે.

હાથ લંબાવતો, કેડે મરડાતો

તણાઈને તૂટતો

તૂટી તૂટીને તણાતો

ઝીંકાઉ છું ક્ષિતિજ સુધી.

દૂર

ક્ષિતિજ સુધી

લંબાયેલા મારા બન્નેય હાથ પાછા ફરે છે

ખુરશીના હાથા બની બેસી રહે છે.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 410)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004