koini tikit baki chhe? - Free-verse | RekhtaGujarati

કોઈની ટિકિટ બાકી છે?

koini tikit baki chhe?

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
કોઈની ટિકિટ બાકી છે?
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

કોઈની ટિકિટ બાકી છે? બાકી છે? બાકી છે?

બોલજો જરી.

ભાઈ કંડક્ટર, કોનોટ પ્લેસ આસ્તે કરો,

ચૌરંઘી આસ્તે કરો

ઘોઘાસર્કલ આસ્તે કરો

કિંગસર્કલ આસ્તે કરો

લહેરીપુરા આસ્તે કરો

નીચે બેસો

પથ્થરમારો નીચે બેસો

ડ્રાઇવ, ભાઈલા, થોભતો નહીં

ક્યાંથી બેઠા?

ખ્યાલ નથી કંઈ?

ચાર રસ્તા કૈં કેટલા મળે

ક્યારે બેઠા?

બત્રીસ વર્ષ

ભઈ કંડક્ટર, આસ્તે કરો

માણેકચોક આસ્તે કરો

બેસો, નીચે બેસો

પથ્થરમારો નીચે બેસો.

આમ તો જુઓ, ધૂળ ચડી છે

ધૂળ ચડી છે? આંધી છે? આંધી છે? આંધી છે?

થોભ કંડક્ટર

એક પેસેન્જર સ્ટૅન્ડમાં ઊભો રાહ જુએ છે

છેલ્લો હશે

કોઈ સગો કે?

ખુલ્લા ડિલે કો’ક ઊભો છે

તો મારો મોહનદાસ ગાંધી છે.

ગાંધી છે? ગાંધી છે? ગાંધી છે?

ભાઈ કંડક્ટર,

થોભ હવે તો

આશ્રમ ગયો, થોભ હવે તો

ગામડાં ગયાં, થોભ હવે તો

શહેર અજાણ્યાં, થોભ હવે તો

લોક અજાણ્યાં, થોભ હવે તો

ટર્મિનસ ક્યાં? થોભ હવે તો

સરક્યુલર રૂટ?

ક્યાંક ઉતાર તો ચાલશે, ભાઈ.

બેસો સજ્જન, આપણે બંને સરખા હવે.

બસમાં રહેશું, બસમાં સૂશું, બસમાં

સરક્યુલર રૂટ?

થોભ કંડક્ટર, તો સ્ટૅન્ડ

થોડેક છેટે કો’ક ઊભું છે

કોઈની ટિકિટ બાકી છે? બાકી છે? બાકી છે?

ભાઈ કંડક્ટર, થોભ જરી તો

તો મારો સાકી છે, સાકી છે, સાકી છે -

કોઈની ટિકિટ બાકી છે?

બાકી છે?

બાકી છે?

સ્રોત

  • પુસ્તક : કિમપિ (પૃષ્ઠ ક્રમાંક 24)
  • સર્જક : અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
  • પ્રકાશક : આર. આર. શેઠ
  • વર્ષ : 1983