wiparyay - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વિપર્યય

wiparyay

વિપિન પરીખ વિપિન પરીખ
વિપર્યય
વિપિન પરીખ

પિતા જ્યારે હોતા નથી

અને મા વધારે વૃદ્ધ થતી જાય છે

ત્યારે એની આંખમાંથી પ્રશ્ન ડોકાયા કરે છે :

‘આ પુત્ર મને સાચવશે ખરો?’

પણ પ્રશ્ન શબ્દ બનીને હોઠ ઉપર નથી આવતો.

મા

જેણે મને ફૂલની જેમ સાચવ્યો,

જે મારાં પગલાં પાછળ પાછળ અધ્ધર ટીંગાઈ રહેતી,–

હું મોટો થઈને ટટ્ટાર ઊભો રહ્યો ત્યાં સુધી.

મા

જે મીઠાં હાલરડાંના ઘેનમાં મને ડુબાવી પછી સૂતી.

આજે ઊંઘમાંથી ઝબકી ઝબકીને જાગી ઊઠે છે–

પણ બોલતી નથી.

એના ધ્રૂજતા હાથમાંથી વારેવારે એક શંકા છટકી જાય છે

કે દીકરાનો હાથ એને દગો દેશે તો?

હું એને ટેકો આપી શકે એવું કશું કહી નથી શકતો.

ફક્ત

મને મારા હાથ

કાપી નાખવાનું મન થાય છે.

સ્રોત

  • પુસ્તક : આશંકા (પૃષ્ઠ ક્રમાંક 108)
  • સર્જક : વિપિન પરીખ
  • પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
  • વર્ષ : 1975