tari potani, thoDo samay - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તારી પોતાની, થોડો સમય

tari potani, thoDo samay

પ્રતિષ્ઠા પંડ્યા પ્રતિષ્ઠા પંડ્યા
તારી પોતાની, થોડો સમય
પ્રતિષ્ઠા પંડ્યા

તેં મને ઉપાડીને જોઈ

આમતેમ ફેરવી તોળી

હાથમાં લઈ પંપાળી

સૂંઘી, ચાટી, મમળાવી, ચાવી

થોડા દિવસ

પોતાની કરી જોઈ

ને પછી એક દિવસ

તેં મને ફેંકી

થાય છે કેટલા ટુકડા વિચારી

ઘા કરી ફંગોળી

કેટલી બરડ છું તપાસી

પછાડી, અથડાવી જોઈ

ને તૂટે તો સાંધવામાં કેટલી વાર થશે

ને કેટલી લાહી જોઈશે

તેય માપી જોઈ

મારું કોઈ સ્વરૂપ નહોતું,

તું ઉપાડે

ખીલતું પારિજાતનું ફૂલ

તું ફેરવે ને તોલે–

ઝળકું તારી આંખે

એક ઝગમગ હીરલો

તું સ્પર્શે–

લહેરાતું રેશમ-પોત

આકાશી

તું સૂંઘે–

કસ્તૂરી

તું ચાટે–

અમરતબુંદ

મમળાવે તું–

ઓગળતી મીઠી ખાંડ જીભને ટેરવે

ચાવે તું–

રસઝરતું પાન કલકત્તી

ફેંકે તું–

કોઈ રમકડું

અણગમતું લાલાનું

ઘા કરી ફંગોળે તું–

બરડ અસ્તિત્વ રહે ના આયનાનું

તું પછાડે–

તિરાડોભર્યું હાડકું

ના જોઈશે કોઈ લાહી

ના ફૅન્સી ગુંદર અહીંયાં

એક ટપકું થૂંક લઈ

જો સાંધે તું સંધાઈ જાઉં!

સ્રોત

  • પુસ્તક : ળળળ... (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સર્જક : પ્રતિષ્ઠા પંડ્યા
  • પ્રકાશક : નવજીવન સાંપ્રત
  • વર્ષ : 2019