photograph - Free-verse | RekhtaGujarati

ફોટોગ્રાફ

photograph

વિપિન પરીખ વિપિન પરીખ
ફોટોગ્રાફ
વિપિન પરીખ

વિપિનભાઈ,

ફોટોગ્રાફરે તમને ત્રણ ત્રણ વાર હસાવવાનો પ્રયત્ન કર્યો

તમે હસ્યા તે હસ્યા!

આટલા બધા ગંભીર શા માટે રહેતા હશો તમે, વિપિનભાઈ?

તમે માનો છો એટલું જીવન ઉદાસ નથી

જુઓ....આ બાળકો, રંગીન ફુગ્ગાઓ,

ફૂલો....આ પ્રેમીઓ....

છતાં હરહંમેશ બધે તમને હિરોશીમા અને વીયેટનામના

ઉઝરડાયેલા ચહેરા શા માટે દેખાતા હશે?

હા,

તમને આમ ફોટા છપાવવા ખાસ તો ન’તા ગમતા....

‘કવિતા’ની કેટલી કૉપી છપાતી હશે?

બધામાં તમારો ફોટો?

you feel uncomfortable, no?

sorry, આવો અંગત સવાલ પૂછવો જોઈએ,

હશે, પણ એક વાત કહો–

પાઇપ ફીટીંગ્સ વેચતા વેચતા

ખોટના ધંધામાં કેવી રીતે પડ્યા?

શોખ?

ના, તો પણ...? વાણિયાનો દીકરો લાભ વગર ખાસ....

નામ? ચાર માણસ પૂછે :

આપણા વિપિનની કવિતા....જોઈ....? હંઅ....

અને ક્યારેક ક્યારેક windfallની જેમ

પારિતોષિક પણ મળી જાય, નહીં?

પણ તમે તો કહેતા હતાને

પારિતોષિકોથી

કવિતાને મૂલવવાનું તમને ઠીક નથી લાગતું!

છતાં તમને જો અર્પણ થાય તો

તમે નમ્રતાથી સ્વીકારી લો ખરા, નહીં?

હું ભૂલતો હોઉં તો તમને સંમેલનો ખાસ પસંદ નથી.

તમે કહેતા કે લોકોને રીઝવવા બહુ નીચે ઊતરવું પડે છે.

શરૂશરૂમાં તો માઇક પણ તમને ધ્રૂજતું લાગેલું

ને સ્ટેજ છોડી ભાગી જવાનું પણ મન થયેલું

કોણે તમને તે દિવસે

પકડીને બેસાડી રાખ્યા હતા સ્ટેજ ઉપર?

પણ પછી

તાળીઓના ગડગડાટની પણ એક આદત....

કોફીના કપ જેટલી ઉત્તેજક હશે ખરી, વિપિનભાઈ?

પણ મેં સાંભળ્યું છે

તમે કોફી છોડી દીધી છે–સાચી વાત?

સ્રોત

  • પુસ્તક : આશંકા (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સર્જક : વિપિન પરીખ
  • પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
  • વર્ષ : 1975