mara bapna dadane to koie joyanun osan pan nathi - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારા બાપના દાદાને તો કોઈએ જોયાનું ઓસાણ પણ નથી

mara bapna dadane to koie joyanun osan pan nathi

દિલીપ ઝવેરી દિલીપ ઝવેરી
મારા બાપના દાદાને તો કોઈએ જોયાનું ઓસાણ પણ નથી
દિલીપ ઝવેરી

મારા બાપના દાદાને તો કોઈએ જોયાનું ઓસાણ પણ નથી

છતાં એમની તલવાર હજી સચવાયલી રહી છે

આમ તો ધાર વિનાની

તોય મૂઠમાં કોરેલી ફૂલપાંદડીની ભાતણી ઝાંખી આછી દેખાય

મ્યાનનાં રેશમચામડાની ચીંથરેહાલ વફાદારી

પછવાડે ઢંકાયલા ડાઘ લોહીના કે કાટના

કોણ જાણે?

કાટ ખાતી તલવારની તો કોઈનેય લાજ આવે

ને લોહી ચાટતીની કોને આવે?

તલવાર છે એની મને તો લાજ આવે છે

એય સાચવી રાખેલી.

મારા દીકરાને દાદા કહેનારાં

ક્યારેક સંભારશે

કે એના બાપની કલમ

ક્યાંક સચવાયેલી રહી હશે

જ્યારે જંગલો કે તળાવ કે ખિસકોલીઓ કે આઘેથી ઊડીને આવતાં પંખી

કાટ ખાધેલા કાગળના વેરાન પટ પર

આછા ઝાંખા સૂકા ડાઘ જેવાં વળગી રહ્યાં હશે

ત્યારે કોઈને ઓસાણ પણ નહીં હોય

કે કલમથી કવિતા લખાઈ હશે

કવિતા એટલું શું એમ કોઈ પૂછતું પણ નહીં હોય

છતાં કલમ પકડી કલમ ચીતરી

કોઈ ફરીથી પહેલી વાર

લખે

ત્યારે કહેશે કદાચ કે મારા બાપદાદાની મને લાજ આવે છે

?

સ્રોત

  • પુસ્તક : કવિતા વિશે કવિતા (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સર્જક : દિલીપ ઝવેરી
  • પ્રકાશક : બીજલ પ્રકાશન
  • વર્ષ : 2016