abhaDchhet etle shun - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આભડછેટ એટલે શું

abhaDchhet etle shun

નિલેશ કાથડ નિલેશ કાથડ
આભડછેટ એટલે શું
નિલેશ કાથડ

મેં મોરને પૂછ્યું : આભડછેટ એટલે શું?

તો મોર તો થનગન થનગન કરી નાચવા લાગ્યો

ને મારે ગાલે મજાની કિસ કરી ટહુકા કરવા લાગ્યો!

મેં વૃક્ષને પૂછ્યું : આભડછેટ એટલે શું?

તો એણે તો ડાળીઓ નમાવી મને કાખમાં બેસાડી દીધો!

મેં ફૂલને પૂછ્યું : આભડછેટ એટલે શું?

તો તો બધી સોડમ વિખેરતું મારા નાક સાથે ગેલ

કરવા લાગ્યું!

મેં નદીને પૂછ્યું : આભડછેટ એટલે શું?

તો તો મારા પગને સ્પર્શીને છેક

મારા હૃદય સુધી મને ભીનો કરી ગઈ!

મેં પથ્થરદિલ પહાડને પૂછ્યું : આભડછેટ એટલે શું?

તો પીગળીને રેલો થઈ વહેવા લાગ્યો મારી પૂંઠે પૂંઠે,

મને અડવા-આભડવા તો!

મેં માણસને પૂછ્યું : આભડછેટ એટલે શું?

મારી સામે જોયું,

દૂર ખસ્યો ને

ચાલવા લાગ્યો.

સ્રોત

  • પુસ્તક : પીડાની ટપાલ (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સર્જક : નિલેશ કાથડ
  • પ્રકાશક : ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન
  • વર્ષ : 2015