phutpath ane aapne - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ફૂટપાથ અને આપણે

phutpath ane aapne

મણિલાલ દેસાઈ મણિલાલ દેસાઈ
ફૂટપાથ અને આપણે
મણિલાલ દેસાઈ

કાલે કદાચ આપણે પ્રેમનો અર્થ

ભૂલી ગયા હઈશું.

કાલે કદાચ ચુંબન માટે આપણે ઉત્સુક નહીં હોઈએ.

પણ

ત્યારે બધું આવું હશે.

કાચના શો-કેસમાંની સુન્દરી

આમ ફસાવવા માટે હસ્યા કરતી હશે.

બારણાં બંધ કરવાનો અવાજ આવો આવતો હશે.

અને

એકલતાનું કવચ ઓઢીને

ફૂટપાથ પર કૂતરું સૂતું હશે.

ત્યારે આખી ફૂટપાથ

એકલી

એકલી

બની જશે.

બે પથ્થરોની વચ્ચેની ધૂળમાં

ગતિનો અવકાશ ફેલાશે.

બાજુમાં ઊભેલી વંડીનાં ઈંટનાં આંગળાં

ધીમે ધીમે ઢીલાં પડતાં જશે.

ગટરના ઉઘાડા ઢાંકણામાંથી ગરમ ગંધાતી હવા

બહાર આવતી હશે.

આકાશ હાઉ હાઉ કરતું

નીચે ધસી આવશે

પણ તારના થાંભલા એને નીચે નહીં ઊતરવા દે.

કૂતરાના પેટના ધબકારે જીવવા મથતી ફૂટપાથ

કૂતરાની પૂંછડીની ક્વચિત્ હિલચાલ

એક પછી એક બનાવશે

અને ગોઠવશે

ગોઠવશે અને બનાવશે.

પણ એની વચ્ચે

ગરમ મીણનાં ટીપાં પડશે

અને

ક્રિયા ઠરી જશે.

મરક્યુરી લાઇટની આસપાસ મંગળફેરા

ફરતાં ફરતાં પતંગિયાં પાણીનાં ટીપાંની જેમ

ટપકશે...

અને ફૂટપાથ એને ગરોળીની જેમ ગળપી જશે.

ત્યારે

બાજુમાંના રસ્તાની પીઠ પર

બપોરે ઊડી ગયેલા કાગડાના પડછાયા ચીટકી જશે.

ફૂટપાથ

ત્યારે... ઊભી ઊભી સળગતી હશે,

કદાચ રેલમાં તણાતી હશે,

કદાચ તૂટતી હશે,

કદાચ દારૂડિયાની જેમ લથડતી હશે,

અમળાતી હશે,

કદાચ જહાનમમાં પડી હશે.

પણ આપણે તો પ્રેમ કરતાં ભૂલી ગયા હઈશું,

આપણે ચુંબન માટે ઉત્સુક નહીં હોઈએ,

શો-કેસમાંની સુન્દરીને જોતાં

છાપરા પરની

કબૂતરની હગાર કાટ ચડેલી ટાંકી

એરિચલના તાર જાહેરખબરનાં પાટિયાં

યાદ કરીશું.

ત્યારે પેલો

ફૂટપાથી કૂતરો પણ

એકલતાનું કવચ તોડી

ફૂટપાથ પર દોડતો હશે

અને

એના નહોર ઘસાવાના અવાજથી સડક અને ફૂટપાથ

હાથતાળી દઈ હસે એવું લાગશે.

અને આપણા પગ પર ત્યારે

એક કાનખજૂરો ચડતો હશે.

સ્રોત

  • પુસ્તક : રાનેરી (પૃષ્ઠ ક્રમાંક 66)
  • સર્જક : મણિલાલ દેસાઈ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1987
  • આવૃત્તિ : 2