phal ane shakabhaji - Free-verse | RekhtaGujarati

ફળ અને શાકભાજી

phal ane shakabhaji

પવનકુમાર જૈન પવનકુમાર જૈન
ફળ અને શાકભાજી
પવનકુમાર જૈન

આછી, લીલી, કૂણી

દૂધી દેખાય છે.

હાથમાં લઉં છું.

નખ મારું છું.

ચમકી જાઉં છું.

પોતાને કહું છું :

ના, કેવળ દૂધી છે.

બસ, કેટલી કૂણી છે

જે જોતો હતો.

મોટાં, કેસરી સંતરાં છે.

હથેળીમાં લઈ સહેજ

ઉછાળું છું.

હથેળી, આંગળીઓ વડે

નજાકતથી દબાવું છું.

સભાન થઈ ઊઠું છું.

પોતાને કહું છું :

બીજી કોઈ વાત નથી.

સંતરાં સૂકાં ને પોચાં

તો નથી એટલું

જોતો હતો.

ચમકતાં, પીળાં લીંબુ

તરફ વળું છું.

આંગળી, અંગૂઠાથી ફેરવી, દબાવી

જોઉં છું. મૂકું છું.

બીજું, ત્રીજું, ચોથું લઈ

જોઉં છું.

શું ચાલે છે?

પોતાને કહું છું :

લીંબુ પાતળી છાલનાં,

કાગઝી ને રસીલાં

છે કે નહીં.

જાણવાની

તો રીત છે.

લીલું નાળિયે૨

ઊંચકતાં બેઉ હાથ

ભરપૂર થઈ જાય છે.

એક હાથની આંગળીથી

ટકોરા મારું છું.

આંગળી તરલ ધ્વનિથી

ઝંકૃત થાય છે.

નાળિયે૨વાળો છોલી,

સ્ટ્રૉ મૂકી મને આપે છે.

ચૂસકી લઉં છું.

રસને જીભ ઉપ૨

મમળાવું છું.

પોતાને કહું છું :

મારા હાથમાં

બીજું કંઈ નથી!

ફક્ત રસપૂર્ણ નાળિયેર છે.

ફળ અને શાકભાજી

ખરીદતાં તમને પણ

આવું થાય છે?

સ્રોત

  • પુસ્તક : ૬૫ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સર્જક : પવનકુમાર જૈન
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2012