Ekdant Rakshasna Khulla Jadba - Free-verse | RekhtaGujarati

એકદન્ત રાક્ષસનાં ખુલ્લાં જડબાં

Ekdant Rakshasna Khulla Jadba

સુરેશ જોષી સુરેશ જોષી
એકદન્ત રાક્ષસનાં ખુલ્લાં જડબાં
સુરેશ જોષી

એકદન્ત રાક્ષસનાં ખુલ્લાં જડબાં જેવું ઘર

મગરબરછટ એની સિમેન્ટત્વચા

દાખલ થતાં હીંચકો

ચીંચવાતો કચવાતો ડાકણ ડચકારો

ઝૂલે એના પર હવાનું પ્રેત.

પછી આવે દીવાનખાનું

ભીંત પર ફોટા

પીળા પડી ગયેલા ભૂતકાળનાં ચાઠાં

શયનગૃહની અન્ધ ખંધી બારી

જોતી ગુહ્ય આદિમ સ્વપ્ન

એની પાસેથી ચાલી જાય છે

વીજળીના તારની સીધી નૈતિક રેખાઓ.

પણે ગોખલો

એમાં બેચાર દેવનો સરવાળો

ઘીનો દીવો

ધર્મનું આશ્ચર્યચિહ્ન!

ડાલડાના ડબ્બામાં ઉછેરેલાં તુલસી

ખૂણાઓના શ્યામ સાથેનાં વિવાહના કોડભર્યા અન્ધકાર

ટ્રેજેડીના નાયકની અદાથી કર્યા કરે છે આત્મસંલાપ.

માળિયામાં આપઘાત કરવાનું ગમ્ભીરપણે વિચારતો બેઠેલો ઉંદર

માળિયામાંથી દેખાતું મેલું મરિયલ આકાશ

કદીક એકાદ તારો,

એની પછી હશેને સ્વર્ગ?

સ્રોત

  • પુસ્તક : સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ : 4 (પૃષ્ઠ ક્રમાંક 64)
  • સંપાદક : શિરીષ પંચાલ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2005