marun ekant - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારું એકાન્ત

marun ekant

સુરેશ જોષી સુરેશ જોષી
મારું એકાન્ત
સુરેશ જોષી

હું તને આપું છું એકાન્ત

હાસ્યની ભીડ વચ્ચે એકાદ અટૂલું આંસુ,

શબ્દના કોલાહલ વચ્ચે એકાદ બિન્દુ મૌન,

જો તારે સમ્ભરી રાખવું હોય તો રહ્યું મારું એકાન્ત

વિરહ જેવું વિશાળ,

અંધકાર જેવું નીરન્દ્ર,

તારી ઉપેક્ષા જેવું ઊંડું,

જેનો સાક્ષી નહીં સૂરજ, નહીં ચાંદો,

એવું નર્યું એકાન્તનુંય એકાન્ત.

ના, ભડકીશ નહીં.

નથી સ્પર્શી એને મારી છાયા,

નથી તેમાં સંગોપ્યું મેં મારું શૂન્ય,

જેટલું મારું એકાન્ત તેટલું બે વૃક્ષોનું,

તેટલું સમુદ્રનું

ને ઈશ્વરનું.

એકાન્ત

આપણા પ્રણય તણી નથી રમણભૂમિ,

વિરહની નથી વિહારભૂમિ,

નર્યું ભર્યું ભર્યું એકાન્ત.

હું તને આપું છું એકાન્ત.

સ્રોત

  • પુસ્તક : ઈતરા (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સર્જક : સુરેશ જોષી
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 1997
  • આવૃત્તિ : 2