laibreri – 1 - Free-verse | RekhtaGujarati

લાઇબ્રેરી – ૧

laibreri – 1

અજય સરવૈયા અજય સરવૈયા
લાઇબ્રેરી – ૧
અજય સરવૈયા

: તમારી એકલતા

લાઇબ્રેરીમાં તમને ભૂખ લાગી હોય

તો કોઈને ખ્યાલ પણ નથી આવતો.

તમે ભલે લાંબા સમયથી બેઠા હો

કોઈની નજર ઝાઝો સમય તમારા પર ટકતી નથી.

તમારું વિઝીટિંગ કાર્ડ કે સરનામું

તમારી મેડિકલ હિસ્ટ્રી કે આદતો

તમારી પ્રામાણિકતા કે બહાનાંનું

લાઇબ્રેરીમાં બહુ મૂલ્ય નથી

તમે છીંક ખાઓ કે ખાંસી

પાસેથી પસાર થનારને તમારા અસ્તિત્વની

લગીરેય પરવા હોતી નથી

એવું કહી શકાય

લાઇબ્રેરીમાં લોકોની લાગણી

પુસ્તકમાંના વાક્યોથી દોરવાતી હોય છે,

વાંચનારના હાવભાવથી નહિ.

લાઇબ્રેરી તમારી જાત કે જમાતને

વાસ્તવિકતા કે વર્ગને

કીર્તિ કે ઓળખને સ્વીકારતી નથી.

તમે જેવા છો

કે જેવા રહેગા માગો છો.

પણ સ્વીકારતી નથી,

લાઇબ્રેરી માત્ર તમારી એકલતાને સ્વીકારે છે

બીજું કંઈ નહિ.

: તમારું ન-હોવું

સારું છે

લાઇબ્રેરીમાં પ્રવેશવા

બહાર જોડાં ઉતારવાં નથી પડતાં,

માથે તિલક નથી કરવું પડતું,

ક્યાંય માથું ટેકવવું નથી પડતું,

થોડા અવસાદ સાથે પણ પ્રવેશી શકાય છે.

સારું છે

લાઇબ્રેરીમાં પ્રવેશવા

પહાડ નથી ચઢવા પડતા,

કોઈને ખુશ નથી કરવા પડતા,

બુકે તૈયાર નથી કરવા પડતા,

બધી મહત્ત્વાકાંક્ષાને

છત્રીની જેમ બહાર મૂકી

અંદર પ્રવેશી શકાય છે.

ને એવી રીતે બેસી શકાય છે

જાણે તમે ઘડિયાળનો કાંટો છો

કે કોરા કાગળ પરની લીટી

કે તમે છો નહિ.

૩: તમારો ખૂણો

લાઇબ્રેરીમાં તમે તમારો એક ખૂણો બનાવી શકો છો.

તમે બેસો ભલે ગમે ત્યાં

ખૂણો તમારી સાથે રહેશે.

તમે થોડા દિવસ લાઇબ્રેરી નહિ જાઓ તો પણ

ખૂણો ત્યાં ને ત્યાં રહેશે.

તમે લાઇબ્રેરીમાં જવાનું બંધ કરી દેશો

કે વાંચવાનું બંધ કરી દેશો પછી પણ

ખૂણો અકબંધ રહેશે.

તમે નહિ રહો

ખૂણો રહેશે.

સ્રોત

  • પુસ્તક : આમ હોવું (પૃષ્ઠ ક્રમાંક 50)
  • સર્જક : અજય સરવૈયા
  • પ્રકાશક : રંગદ્વારા પ્રકાશન, અમદાવાદ
  • વર્ષ : 2018