ek wriddh manun wasiyatnamun - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એક વૃદ્ધ માનું વસિયતનામું

ek wriddh manun wasiyatnamun

પ્રમોદ ઠાકર પ્રમોદ ઠાકર
એક વૃદ્ધ માનું વસિયતનામું
પ્રમોદ ઠાકર

રાખ તમારાં ઠીબાં ઠીકરાં

કાચ કચકડાનાં. લાવ જરી

દેખાડ અલ્યા ધૂળિયું ફળિયું.

રોટલાના સુક્કા બટકા જેવો છેવાડો

ઓટલો શેરીને નાકે.

ત્યાં સહિયર સાથે કૂકા રમતાં'તાં.

સંધ્યા ટાણે

ફાનસની ચીમની

રાખોડીથી ઘસી ઘસીને ચકચકતી કરતાં'તાં.

ચાંદીની પ્યાલીને તળિયે

ઘી દીવડાની મેશ ઝીલીને

આખા ફળિયાને આંજી'તી.

હશે.

જો કૂવાના થાળાથી સામે જઈએ

તો માસ્તરનું ફળિયું આવે.

ત્યાં ટેનપોશ્ટની ચાર ચકલીઓ.

માસ્તરના ફળિયાથી આગળ. જીવકોરમાશીનું

એની સામે લૂલાગોરનું, ત્રાંસમાં મંછા વઢકારીનું

પણે ફોજદારનું, ખૂણામાં દાજીનું

એમ ફળિયાં આવે.

જોને કેમ કરું તો ઝળઝળિયાં આવે.

જાડું ઝીણું કણકી કોરમું હાથે દળતાં'તાં

ઘંટીના પથરા

જોને કોક છાતી પર મેલે.

જો તારામંડળનું બાકસ છે ત્યાં તાકામાં

તારું.

પરોઢિયામાં કોણ અલ્યા આગળિયો ઠેલે.

જા ઉઘાડ ઝટ કર ખોલ ખડકીનો ઝાંપો.

સ્રોત

  • પુસ્તક : યાત્રાપર્વ (પૃષ્ઠ ક્રમાંક 66)
  • સર્જક : પ્રમોદ ઠાકર ‘કૃષ્ણાદિત્ય’
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 2003