રાજા મંગળવેઢેકર
Raja Mangalvedhekar
[મરાઠી કવિતા]
જુવાન દોસ્તો!
શા માટે માગો છો માર્ગદર્શન?
શબ્દકોશનું કદ વધારનારા
અને ભાષાને અકાળે વૃદ્ધ કરનારા
આ શબ્દોથી
સાવધ રહો!
અમારા ધોળા વાળથી ફસાશો નહીં :
તેનો રાખવો જોઈએ એટલો જ મલાજો રાખો
બાકી તમારો રસ્તો તમે જ શોધો.
અમે પુષ્કળ ઉનાળા-ચોમાસા જોયા–
કબૂલ.
પણ, ખરે જ
તેનું શ્રેય ઋતુચક્રોને જ.
ખૂબ રખડ્યા-
પણ એથી અમને અચૂક માર્ગ
મળ્યો જ એમ કહેવાય?
નો...નો...નો...દોસ્તો;
ભળતી જ ગેરસમજ કરશો નહીં.
તે તમને પરવડશે નહીં.
અમને પૂછશો, તો હવે,ગેરસમજ સિવાય
બીજું નંદનવન અમને મળ્યું જ નથી.
અરે, કરમાઈ ગયેલા અમારી પાસે
હોઈ હોઈને શું હોય?
પરાભવ અને નિરાશાની એક પ્રદીર્ઘ ગાથા!
પણ દોસ્તો,
તમે જુવાન છો.
તારુણ્યને પરાભવ અને નિરાશા : આ વસ્તુ
અપરિચિત જ હોય છે.
અરે, પ્રકાશે કદીયે અંધારું જોયું હોય છે, ખરું?
લોક કંઈ પણ કહે
જેને હવે કોઈ માર્ગ રહ્યો નથી
અને જે ગતિહીન બનેલા છે
તેમને માર્ગદર્શન પૂછવાનો તમને
અધિકાર જ નથી!
સ્રોત
- પુસ્તક : કવિતા : એપ્રિલ, 1972 (પૃષ્ઠ ક્રમાંક 33)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
