એક પંખીને કંઈક
ek pankhiine kaink
ઉમાશંકર જોશી
Umashankar Joshi
ઉમાશંકર જોશી
Umashankar Joshi
એક પંખીને કંઈક કહેવું હતું,
માનવીની પાસે આવતાં ખમચાતું હતું;
ઊડી ગયું દૂર, ટેકરી પર, ઊંચા વૃક્ષની ટગડાળે,
આગળપાછળ જોયા વિના, ભૂખ-થાક-વિરહ-ઑથાર નીચે
કંઈક બબડી નાખ્યું એણે. સરતી સરિતાએ
સાંભળી લીધું, 'હું એને પહોંચાડી દઈશ, રસ્તે
મળી જશે કદાચને!' ગબડતી, મેદાનોમાં રસળતી,
લોથપોથ સમંદરમાં ઢબૂરાઈ ગઈ બુદ્બુદરવે કંઈક
કહેવા કરતી. 'કાંઈ નહિ, દુનિયાના ચોગમ કિનારાઓ પર
પહોંચાડીશ' કહેતોક સમુદ્ર ઊપડ્યો,
દિનરાત અનવરત ખડકો પર મસ્તક અફાળતાં
સંદેશાના મૂળાક્ષર પણ ભૂલી બેઠો.
એક પંખીને કંઈક કહેવું હતું…
સ્રોત
- પુસ્તક : સમગ્ર કવિતા (પૃષ્ઠ ક્રમાંક 735)
- સર્જક : ઉમાશંકર જોશી
- પ્રકાશક : ગંગોત્રી ટ્રસ્ટ, અમદાવાદ
- વર્ષ : 1981
- આવૃત્તિ : બીજી આવૃત્તિ
