matsyawatar - Free-verse | RekhtaGujarati

મત્સ્યાવતાર

matsyawatar

પ્રતિષ્ઠા પંડ્યા પ્રતિષ્ઠા પંડ્યા

ડ્રૉઈંગરૂમના

લેધરના સોફાની બાજુમાં

આરસની ટિપૉઈ પર

કાચના પારદર્શક ઘડામાં

રંગરંગીન પથરાઓ

ને અદૃશ્ય પાણીની વચમાં

મૂકી તેં મને

માપી માપીને ફરવા

પણ મારા મનમાં વિસ્તરતી ક્ષિતિજોને

નાનો પડવા લાગ્યો તારો ઘડો

ને એક દિવસ હું ચાલી નીકળી

તોડીને ઘડો

તરછોડીને જળાશયો

મૂકી વહેતી બાંધેલી નદીઓ

ભૂલીને મનુની હોડી

હું ચાલી નીકળી

બની એક વિશાળકાય માછલી

ધસમસતી

બાંધીને શિંગ પરે

મારી આખેઆખી દુનિયા

વીણી વીણીને લીધી સાથે

કાચાં સપનાંની એક એક ક્યારી

તૂટીફૂટી જાળ સંબંધોની

ક્ષણો પાતળી, ઝીણી, સુંવાળી

ઇચ્છાઓ ધગધગતી, પ્રલયકારી

હિંમતનો પહાડ મલય લઈ ભારી

વહું હું

માછલી વિશાળકાય!

સ્રોત

  • પુસ્તક : ળળળ... (પૃષ્ઠ ક્રમાંક 126)
  • સર્જક : પ્રતિષ્ઠા પંડ્યા
  • પ્રકાશક : નવજીવન સાંપ્રત
  • વર્ષ : 2019