જગદીશ જોશી
Jagdish Joshi
એક નહીં વરસેલા વરસાદની ધૂંધળી સાંજે
ખડકીનો આગળો ખોલી
મેં ફળિયામાં પગ મૂક્યો
ગારથી તાજો લીંપેલો તુલસીનો ક્યારો.
તુલસીનાં લીલાં પાન.
ક્યારાની ભીની માટીમાં પડેલાં ચોખાના છૂટક છૂટક દાણાને
ચૂગતી એક અવાક્ ચકલી.
બાજુમાં બાંધી એક પારેઠી ગાય.
તેના ખાલી આંચળને
ધાવતું હતું ધોયેલા પગ અને કપાળવાળું
એક વાછરડું.
એ નહીં વરસેલા વરસાદની ધૂંધળી સાંજે
હું ઓસરીમાં આવ્યો.
આરસની ફરસબંધી ઉપર એક સાદડી
સાદડી - ઘોડી - ભાગવત.
ભાગવત પર આંધળાં ચશ્માં ફરતી ગૂંચળું થઈને પડેલી
નહીં ફરતી રુદ્રાક્ષની માળા.
અંદરના ઓરડામાં આવ્યો
ને
મેં તને જોઈ.
આ પહેલાં મેં તને ક્યારેય જોઈ હતી?
ખ્યાલ નથી.
આ પહેલાં તેં મને ક્યારેય જોયો હતો?
ખ્યાલ નથી.
તને મેં જોઈ
પીંજાઈ ગયેલા રૂ જેવાં
શ્વેત વસ્ત્રોમાં-
તું સફેદ પૂણી.
કૂવાના તૂટી ગયેલા મંડાણની આડી પર
કાટ ખાધેલી ગરેડી હજી વળગી રહી છે.
રાણકની ખુમારી નંદવાઈ ગઈ અને
અડીખમ ઊભેલા ગિરનારે
મનમાં ટૂંટિયું વાળ્યું.
આંખો હતી
અંધારી-અવાવરુ વાવનાં પગથિયાં પર જડેલી આરસતખ્તી જેવી.
કોઈ તોફાની બાળક
ઉતાવળું ઉતાવળું દોડતું દોડતું આવે
અને આંગણાનો સાથિયો ભૂંસી નાખે એમ
ભૂંસાઈ ગયું હતું તારું સ્મિત.
બહાર બાંધેલી ગાયની સાંકળ ખખડે છે.
વાછરડું હજી ઝોંટા મારી મારીને
સુક્કા આંચળ ધાવવા મથે છે.
ગાયના મોઢામાંથી પડે છે ઓગાળ
અને
વાછરડું પોતાની જીભથી હોઠ ભીના કરે છે.
મારાથી પૂછાઈ ગયું :
'આ શું માંડ્યું છે?'
'કશું નહીં...'
તારા એ જવાબની ઊંડી ખાઈમાં
મૃત્યુની બાઝેલી શેવાળને
હું જોઈ શક્યો.
ઓસરીમાં જાળીમાંથી દેખાય છે :
કોરું, ઘેરાયેલું આકાશ,
ધૂંધળિયા પ્રકાશથી ધરબાયેલું ફળિયું,
ધાવવા મથતું વાછરડું,
ખસી જવા મથતી ગાય.
વાછરડું વધું નજીક ભરાય છે.
ગાય પાટુ ઉગામે છે -
ઓરડામાં હીંચકો હતો
પણ
એના કડામાંથી એક સાંકળ નીકળી ગયેલી.
ઝૂલી ન શકાય એવા હીંચકાને જોઉં છું ત્યારે
હું ચાલવાનું પણ ભૂલી જાઉં છું.
મારા પ્રશ્નનો
'કશું નહીં'
એવો તારો જવાબ સાંભળીને
હું મને પૂછું છું :
'મેં આ શું માંડ્યું છે?'
કોઈ સમી સાંજે
છાતીફાટ પ્રેમ કરી શકવાનો ગરૂર ધરાવતી
વ્યક્તિઓ
છાતીફાટ રુદન પણ કરી ન શકે...
આવી વ્યક્તિઓ
વિષાદને વળગી પડીને
મૃત્યુ માટે આટલો બધો
પાટિયાં ભીંસતો પક્ષપાત રાખે
ત્યારે
હું મારા નભ્યે જતા જીવનનો અર્થ ગુમાવી બેસું છું.
એક નહીં વરસેલા વરસાદની સાંજે
ગાયની પડખે નમાયું વાછરડું
સ્તબ્ધ ઊભું છે.
પારુને ગુમાવ્યા પછી
લોકો ભલે કહે કે
દેવદાસને અર્થ શરાબના ગ્લાસમાં
મળી ગયો હતો.
હું તો માનું છું
કે દેવદાસને અર્થ ખરેખર તો
ચંદ્રમુખી પાસેથી પણ ન'તો મળ્યો.
ઓસરીની જાળીમાંથી દેખાય છે :
માની આંખમાં આંખ પરોવીને
વીનવતું વાછરડું,
કશું નહીં...'
વાછરડું 'કશું નહીં?'
હું 'કશું નહીં?'
આંગણું 'કશું નહીં?'
જીવું છું, જીવે છે, જિવાય છે
તે 'કશું નહીં?'
ડહોળિયું ભરેલી કુંડીને વાછરડું ઢોળી નાખે છે.
'કશું નહીં.'
તું નથી મારી જશોદા
તું નથી મારી રાધા
તું નથી મારી ગાર્ગી
તું નથી મારી અન્નપૂર્ણા
તું નથી મારી પારુ
તું નથી મારી ચંદ્રમુખી
કહે છે
ચંદ્રમુખીનું હૃદય
શરાબથી છલકાતા જામ જેવું હતું :
પણ
તું નથી પારુ
તું નથી મારી ચંદ્રમુખી
અને
મારે તો કોઈ શરદબાબુ પણ નથી.
ઓસરીની જાળીમાં દેખાય છે
ગાય અને વાછરડું.
બહાર ઝરમર ઝરે છે.
ઝાડ ઉપર ન્હાતા ગલગોટાની જેમ
ગાય-વાછરડાની કીકીઓ
ઝરમરમાં તરે છે
- ઝરે છે.
સ્રોત
- પુસ્તક : ધારો કે એક સાંજ આપણે મળ્યા... (પૃષ્ઠ ક્રમાંક 291)
- સર્જક : જગદીશ જોષી
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ, મુંબઈ
- વર્ષ : 1998
