
ડોસી બજરની બંધાણી
બજર પાછી જે તે તો નહીં જ
શેરીના નાકે આવેલી કિસનાની દુકાનની
થડા પાછળની અભેરાઈમાં
ઉપરથી ત્રીજી હરોળમાં ડાબેથી બીજી
તમાકુની જોડેની જાડા કાચની
જેનું કટાયેલા રાતા રંગનું ઢાંકણું વારંવાર દોઢે ચડી જતું
એ બરણીની બજર
અવેજીની કોઈ પણ ડોસી માટે પાતક
ભૂલેચૂકે બજર ખલાસ થઈ તો
પ્યાલો ફાટતો જ
દીકરાને બબ્બે મોંઢે ગાળો ભંડાતી
વહુઘેલો મુવો પીટિયો
માની બજરમાં જ જીવ ઘાલે છે
પણ ડાબી હથેળીમાં ભરેલી બજરઢગલીમાં ઝબોળાઈને
બોખાં પેઢાં પર દાતણ ફરતું ત્યારે
જગત આખું એને કુર્નિશ બજાવી રહ્યું હોય
એવું દૃઢપણું માનતી
દીકરાને
સોનાના પતરે આખું રાજપાટ લખી આપ્યું હોય
એવી નીતરતી નજરે જોઈ રહેતી
સૃષ્ટિ આખીને છાતીમાં ભરી લેતી હોય
એમ ઊંડો સડાકો લઈ
દીકરાના નાનકાના માથે ચૌદ ભુવનને વરસાવતી
હથેળીમાં બાઝી રહેતી રહીસહી બજર ખંખેરતાં
ઊભી થતી ત્યારે
જીવતરને હાશકારો કહેતી અને
મરણ અબ ઘડી આવી ચડે તો
પોંખવા તત્પર હોય એવા ભાવે
છલકાઈ ઊઠતી



સ્રોત
- પુસ્તક : વૃદ્ધશતક
- સર્જક : કમલ વોરા
- પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
- વર્ષ : 2015