inDun - Free-verse | RekhtaGujarati

૧.

હથેળીમાં એક ઈંડું ગોળગોળ

ફેરવ્યા કરું છું હથેળીમાં એક ઈંડું

લંબગોળ સફેદીની ભીતર

શું છે

એની મને ખબર હોત તો

ઈંડું

મેં ક્યારનુંય ફોડી નાખ્યું હોત

પણ હું ઈંડું ફોડી શકતો નથી

કે ઈંડા પર કાન માંડી શકતો નથી

જીભ ફેરવી શકતો નથી

ડાબા હાથમાંથી જમણા

ને જમણામાંથી ડાબા હાથમાં લઇ

બસ એક ઈંડું ગોળગોળ

ફેરવ્યા કરું છું હથેળીમાં એક ઈંડું

હથેળીઓનાં પોલાણમાં

ઈંડું સંતાડી

હું તમને પૂછી શકું

બોલો, શું હશે મારા હાથમાં?

ને તમારા મનમાં

પરપોટાથી માંડી દરિયા સુધીનું

કુતૂહલ જન્માવી શકું

પણ મને તો ખબર છે

લંબગોળ સફેદીની ભીતર શું છે

ર.

ઈંડું તોડું

તો

ઈંડામાંથી કદાચ સૂર્યો નીકળે

અથવા પૃથ્વીનો ગોળો નીકળે

અથવા ઊછળતો દરિયો નીકળે

ઈંડું તોડું તો.....

પણ

હાથમાં પકડી રાખેલું ઈંડું

હું તોડું તો?

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 377)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004