andhkar ane hun - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અંધકાર અને હું

andhkar ane hun

ગુલામમોહમ્મદ શેખ ગુલામમોહમ્મદ શેખ
અંધકાર અને હું
ગુલામમોહમ્મદ શેખ

દૂરના સમુદ્રની છાતી

અને મારાં આંગળાં વચ્ચે અંધકારની સમીપતા છે.

સમુદ્રના મસ્તકની સીધી લીટી

અને પગના અંગૂઠાના છાપરિયા વળાંકને સમાન્તર

બીજી બે રેખાઓ છે,

એને મારા શરીરની બધી રેખાઓ આંતરે છે.

છતાં હું એની સાથે એકરુપ થઈ

એના ગુહ્ય ભાગના તલ જેવો, એના હલબલાટ સાથે થથરૂં છું.

દૂર દૂરના પાણીના હોઠની અંદર ઊકળતી શાશ્વત વાસનાઓ

મને સંભળાય છે.

અંધકારના વાળ અમારી બન્નેની વચ્ચે છે

છતાં બપોરે એણે

પોતાના હોઠની ઊતરી ગયેલી નકામી ચામડી જેવા કાદવના

ઘેરા-ભૂખરા, ખરબચડા કિનારા ચખાડ્યા હતા

તેના સ્પર્શની વેદનાની મીઠાશ

હજી તાજી છે.

એની ચામડી નીચેનો ખળભળાટ

ઉપરના થર પર આવતાં આવતાં

પડખું બદલતી વખતે કાળા ચિત્તાની ચામડી પર થતો

લિસ્સો અને લયબદ્ધ હિલ્લોળ થઈ જાય છે.

ત્યારે મને અમારી વચ્ચેના અંધકારની ક્ષુદ્રતાનું ભાન થાય છે.

હું ધારતો હતો તેટલો અંધકા૨ ઘટ્ટ નથી.

વધારેમાં વધારે એનો થ૨

કિનારે પડેલ પથરાની છાતીએ ચીટકેલા ખાર જેટલો હશે

અથવા તો મરેલી માછલીની ખવાઈ ગયેલી ચામડી જેટલો હશે.

અચાનક મને વિચાર આવે છે

ચાંદની રાતે જ્યારે સમુદ્ર અંધકારનાં તમામ વસ્ત્રો ચીરી

નગ્ન ટોટેમ જેવો, આવકારતી ચામડીએ સળવળતો હશે

ત્યારે પાતળા અંધકારનું શું થતું હશે?

ક્યારેક તો મેં એને

કીડીઓના રાજમાર્ગ જેવા સૂકા, સડેલા વૃક્ષની આંખોમાં

ગંદા કપડાની જેમ ભરાઈ બેઠેલો જોયો છે

અને ક્યારેક

લીલાં પાંદડાંની પછવાડે જર્જરિત તંબૂ જેવો

તણાયેલો પણ જોયો છે.

પરંતુ જ્યારે ચાંદનીનાં સૈકાકુશળ આંગળાં

છાતી પર પડી પીઠને પણ પ્રકાશિત કરે એવા આદિમ જોશથી

ધસતાં હશે

ત્યારે બિચારા, જંગલી કૂતરાઓ વચ્ચે ફસાયેલા બિલાડીના

બચ્ચા જેવા ગભરુ, રેશમી અંધકારનું શું થતું હશે?

મરેલા પશુના માંસના ત્રાગડા પકડીને ગીધ

હવામાં હીંચકવાની રમત રમતાં હોય છે

તેમ પીંખાતો હશે,

બિચારો આજની રાતનો પા૨દર્શક અંધકા૨!

સૂવરની આંખોની કરુણ ગુફાઓ એને હંમેશની જેમ સંઘ૨શે?

માછલીના લિસ્સા કાંટાનો ઉપભોગ કરતાં કરતાં

એને યુદ્ધકેદીની જેમ નાસવું પડશે

ત્યારે કોણ, કયો પવિત્ર પુરુષ

એને ઈશ્વરના રહેવાસથી ખરડાયેલા હાથોમાં જગા આપશે?

કઈ વેશ્યા એને છાતી પર ચોળી પ્રિયતમને પ્રેમથી ભેટ ધરશે?

અત્યારે જેની સુંવાળી પથારી કરીને સૂતા છે

એમાંના કયા કરચલા, કયા કાચબા એને શરણું આપશે?

અંધકાર, તારી સ્થિરતા ઊડી જશે,

તારા થ૨ ઓગળશે

અને છેવટે કોઈ પણ આડમારગે નાસીને

તારે સમુદ્રની પીઠના અંદરના ચામડે

રંગ બદલી રહેવું પડશે, અરે અંધકાર!

(ડુમ્મસ, ૧૯૬૧)

સ્રોત

  • પુસ્તક : અથવા અને (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સર્જક : ગુલામમોહમ્મદ શેખ
  • પ્રકાશક : સંવાદ પ્રકાશન અને ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
  • વર્ષ : 2013