maowadi - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચોક્કસ

માઓના મામાની

માસીના ફોઈનો

ષડ્યંત્રકારી છોકરો હોવો જોઈએ!

ભાદરવી પૂનમના મેળામાં

છૂંદણાવાળા પાસે

નામ લખાવેલું,

નામ ખોટું પણ હોય,

એના દીકરાનું નામ

‘વિપ્લવ’ શા માટે?

મંગલ પાંડેના પેઢીનામામાં

નામનો ક્યાંય ઉલ્લેખ પણ નથી!

ઊંચા ડુંગર પર બનાવેલા

એના માટીના મકાનમાંથી

ચોક્કસ કોઈ ભોંયરું

લેનિનના અભ્યાસખંડને

મળતું હોવું જોઈએ!

ભીંત પર ચીતરેલાં

મોર, પોપટ, ફૂલ

હિંસક ક્રાંતિ માટે શોધેલી

નવી લિપિ પણ હોય!

ભીંતમાં જડેલું હરણનું શિંગડું

ઇન્ટરનૅશનલ સંપર્ક માટેનું

ઍન્ટિના પણ હોઈ શકે!

ઓસરીના ખૂણામાં

કરેલા કેરીઓના ઢગલામાં

કદાચ

કેરી-બૉમ્બ પણ હોય

કમિશનરની કચેરી ઉડાડી દેવા માટે!

શિંગડા પર ટિંગાડેલું તીર

પેન્સિલ સ્ટાઇલની

નવી મિસાઇલ પણ હોઈ શકે

ગૃહયુદ્ધની પૂર્વતૈયારીના ભાગરૂપે!

વાંસની જાળીવાળું

મરઘીના બચ્ચાનું નાનકડું ઘર

લૅટેસ્ટ એલ.સી.ડી. પણ હોઈ શકે

સરકારની ગતિવિધિનું ધ્યાનમાં રાખવા માટે!

ઢોલની પડી માટે સાચવેલા

બકરીની ચામડામાં

કદાચ

પાર્ટીનો ગુપ્ત દસ્તાવેજ લખેલો હોય

નવી શોઘેલી કોઈ લિપિમાં!

એના

આદિવાસી પડોશી પણ કેતા’તા,

‘એ દા’ડીમાં દહશેરની જુવારને

બદલે અધમણ માગતો’તો

એની મા-બેટીને

જમીનદારને ત્યાં નહીં મોકલે

એમ કેતો’તો

અને

ટુકડો જમીન માટે

સરકારની સામે લડતો’તો’

ખરેખર માઓવાદી હતો.