dharm - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કોઈપણ માહિતી ફોર્મમાં

ધર્મ

સામેની ખાલી જગ્યામાં

અધર્મી

લખી શકાતું નથી, અને મારો

સ્વધર્મ

અસ્તિત્વમાં આવી શકતો નથી

ધર્મ

મારા

પિતાજીનો છે

એટલે

મારો છે!

તું ધર્મનું પુસ્તક વાંચે છે અને

હું

એકવેરિયમમાં તરતી માછલી જોઉં છું

બ્લ્યુ ફિલ્મ જેવા

ધર્મના નક્શાઓ જોઈ જોઈને

કાશ્મીરથી કન્યાકુમારી સુધી

જતી

રેખાના વળાંકો ભૂલાઈ ગયા છે

પ્રિયે!

ફાંસીના માચડે ચડાવવા

લઈ જવાતો કેદી હોઉં એમ

ઘેટાંઓના સળિયાની

હરતી-ફરતી જેલ વચ્ચે

ચાલ્યો જાઉં છું

અને

સામે પ્રચંડ ઊંડી–ખીણ જોઉં છું

હું થંભી શકતો નથી

મારી દિશા ફંટાઈ શકતી નથી

હું ચિત્કારી શકું છું માત્ર,

મૃત્યુ મને મંજૂર નથી.

મૃત્યુ મને મંજૂર નથી

અને મૃત્યુ મને છોડવાનું પણ નથી

હવે

જીવી લેવાની બાકી બચી ગયેલી ક્ષણોમાં

કોઈ પણ ધર્મમાં આવતું હોય

એવું ઈશ્વરનું નામ હું રટી લેવા માગું છું.

સ્રોત

  • પુસ્તક : દલિત કવિતા સંચય (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સંપાદક : ગણપત પરમાર, મનીષી જાની
  • પ્રકાશક : દલિત સાહિત્ય સંઘ
  • વર્ષ : 1981