kawyanun mulya - Free-verse | RekhtaGujarati

કાવ્યનું મૂલ્ય

kawyanun mulya

ચંદુ મહેરિયા ચંદુ મહેરિયા
કાવ્યનું મૂલ્ય
ચંદુ મહેરિયા

મારા કાવ્યનું મૂલ્ય સમજાશે નહિ તમને,

ભલે નવચેતન ચેતનવિહોણું ગણે એને

કુમારની કાવ્યસૃષ્ટિ માટે નેપથ્યવાસી ભલે રહ્યું.

કવિતા ને કવિતા દ્વારા જીવાડનારા દોસ્તો,

ભલે એને અકવિતા માને.

એક વિવેચક મિત્રવર તો કહેતા હતા કે:

શૈલી અને ભાષાના અનેક કાળા કલંકો છે,

તમારા કાવ્યોમાં.

અરે! કાળા કલંકો નહિ, અમારો સૂરજ પણ કાળો છે.

કાળો સૂરજ લઈને નીકળ્યા છીએ અમે તો.

એની આભાને તમારી અંધ આંખો નહિ પારખી શકે.

ભલે સમજાય મારા કાવ્યનું મૂલ્ય તમને!

મારે કવિ નથી થવું.

મારે તો વિદ્રોહી થવું છે વિદ્રોહી.

વિદ્રોહનો એકાદ શબ્દ પણ

જો ઠાકુર વજેસંગના બધિર કાને અથડાશે તો

મારે મન મારા કાવ્યનું મૂલ્ય અમૂલ્ય હશે.