kahi de dharmaguruone - Free-verse | RekhtaGujarati

કહી દે ધર્મગુરુઓને

kahi de dharmaguruone

સુરેશ બારિયા સુરેશ બારિયા
કહી દે ધર્મગુરુઓને
સુરેશ બારિયા

કહી દે ધર્મગુરુઓને

કે હવે બંધ કરે પ્રવચન,

કોઈ સાંભળતું નથી

નક્કી આજે પૃથ્વીનો વિનાશ હોવો જોઈએ.

કહી દે મૌલવીઓને ય,

હવે બંધ કરે બંદગી,

કોઈ સાંભળતું નથી

નક્કી આજે કયામતનો દિવસ હોવો જોઈએ.

કહી દે પેલા પાદરીઓને પણ

હવે બંધ કરે પ્રાર્થના,

કોઈ સાંભળતું નથી

નક્કી આજે પ્રલયનો દિવસ હોવો જોઈએ

હે પ્રિય,

કાલે કદાચ હું હોઉં

મને એનો અફસોસ નથી.

કાલે કદાચ તું પણ હોય,

મને એનો અફસોસ નથી

પણ આવતી કાલે

હું જન્મીશ આદમ તરીકે

ને તું જન્મ લેજે ઇવ તરીકે

ને પછી આપણે રચીશું

સૃષ્ટિ

તદ્દન નિરાળી.

સ્રોત

  • પુસ્તક : દલિત કવિતા સંચય (પૃષ્ઠ ક્રમાંક 122)
  • સંપાદક : ગણપત પરમાર, મનીષી જાની
  • પ્રકાશક : ગુજરાત લોકાયન વતી
  • વર્ષ : 1981