pardadi ane hun - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પરદાદી અને હું

pardadi ane hun

સિતાંશુ યશશ્ચંદ્ર સિતાંશુ યશશ્ચંદ્ર
પરદાદી અને હું
સિતાંશુ યશશ્ચંદ્ર

આજે સવારે સપનામાં મારે ઘેર

મારા પરદાદા આવ્યા, પાઘડી, ખેસ, જનોઈ, પીતાંબર, ચાખડી,

સાથે પરદાદી હતાં. સાડી મારી બા જેવી જ.

ફોટાબોટા તો એમના જોયેલા નહીં (એમના જમાનામાં કૅમેરા ક્યાંથી?)

પણ સપનું મારું હતું એટલે હું એમને ઓળખી ગયો.

દાદી તો બોલ્યાંયે ખરાં

કે ‘આ ઘર છે.’

પણ દાદાએ પૂછ્યું : ‘શી ખાતરી?’

‘હું કહું છું ને? તમે ચાલો અદર.’ દાદી ટોનમાં બોલ્ચાં.

દાદા અંદર આવ્ચા, પણ મારી સામે જોઈ, નજર નોંધી, મને પૂછે :

‘અલ્યા, તું, તું કોણ?’

મેં નામ કહ્યું, આખું.

‘અટક તો છે, પણ...’ દાદા અટક્યા.

મારી કેપ, ઇયર ફોન, વિંડ ચીટર અને સ્પોટર્સ શૂઝ

ઉપર-નીચે નજર ફેરવી,

શર્ટની અંદર જમણો પંજો સેરવી મારી દોરા વગરની છાતી તપાસી,

કહે (મને નહીં દાદીને) :

‘આ લાગતો નથી.’

દાદીએ ચૂપચાપ મારા ઘરમાં એક આંટો લગાવ્યો.

પછી કહે (મને નહીં, દાદાને),

કે ‘એ છે. તમારા પોતરાનો પોતરો.’

દાદા ‘શી ખાતરી?’ જેવું મોં કરી જોઈ રહ્યા,

દાદી સહેજ હસીને કહે કે મને પૂછ્યું :‘મને આના ઘરમાં ઘર જેવું લાગે છે.’

હવે દાદાએ મને પૂછ્યું : ‘મને ઓળખ્યો, દીકરા?’

હું આમ તો એમને ક્યારનો ઓળખી ગયો હતો

પણ જાણે ખાતરી કરવા પૂછતો હોઉં એમ દાદીને મેં પૂછ્યું :

‘દાદા ને? દાદી!’

દાદી સાવ મારી મા જેવું હસી પડ્યાં.

પછી સવારે જાગ્યો ત્યારે

મને મારા ઘરમાં વધારે ઘર જેવું લાગ્યું.

(નવેમ્બર, ૨૦૧૦)

સ્રોત

  • પુસ્તક : મહાભોજ (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સર્જક : સિતાંશુ યશશ્ચન્દ્ર
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2019