tekari - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આખાયે ઢોળાવ પર હતાં

નાનાંમોટાં ઝાડવાં,

વાંકાં-ચૂકાં થડ-ડાળખાં,

ઝીણાં મોટાં પાંદ, આછી-ઘેરી છાંય.

મથાળાની દેરીએ લોક આવતું-જતું

ચડતું-ઊતરતું.

મળી રહેતો છાંયો, મળી જતો પોરો;

ઝાઝો નહીં તો થોડો.

ક્યાંક વીંટાતા દોરા-ધાગા,

ક્યાંક ચડાવાતી ચૂંદડી લાલ-પીળી;

ક્યાંક વળી પથ્થરો ગોઠવીને દેગ ચડાવતું લોક.

હવે બધુંયે ઉજ્જડ.

નહીં એકે ઝાડ કે પાંદડું,

નહીં ઘાસચારાનું તણખલું.

બકરાં-કૂતરાંએ ટ્રૂકતાં નથી હવે.

કાળીબંજર ભોંયની વચ્ચે ઊભી છું

ક્યારેક કો’ક આવીને ખોદી ખાય તેની રાહમાં.....

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 359)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004