chingari - Free-verse | RekhtaGujarati

ધર્માંધતાનું ઝેર ઓકતો

વર્ણાશ્રમના વસ્તો ધારણ કરી

યાતનાની એરણ પર

અપમાનની જવાળામાં આપણાં

અરમાનો અને અસ્તિત્વને

ટીપતો

છીંકોટા નાખતો

મનુવાદી આખલો

જાતિવાદ, અવહેલના અને

અસ્પૃશ્યતાના બારુદ પર

યોગમુદ્રામાં બેસી ગયો છે,

ધ્યાનસ્થ

એને જગાડવા હવે

ધર્મધ્યાન નહીં, ઘંટડી નહીં

એક કાફી છે

ચિનગારી

બારુદને ચાંપી દેવા

આપણી અસ્મિતાની ધધકતી

ચેતનાની.....

સ્રોત

  • પુસ્તક : ચૈત્યભૂમિ (પૃષ્ઠ ક્રમાંક 93)
  • સર્જક : અરવિંદ વેગડા