hwe e baranun bandh karawun joie - Free-verse | RekhtaGujarati

હવે એ બારણું બંધ કરવું જોઈએ

hwe e baranun bandh karawun joie

મણિલાલ દેસાઈ મણિલાલ દેસાઈ
હવે એ બારણું બંધ કરવું જોઈએ
મણિલાલ દેસાઈ

હવે બારણું બંધ કરવું જોઈએ.

સમુદ્રને એની ખારાશથી બોદાશ લાગે,

ચંદ્રની સપાટીનો ચળકાટ ઝાંખો પડે,

સૂર્ય પર ઝાંખાં ઝાંખાં પડો બાઝી જાય,

તે પહેલાં

મારે બારણું બંધ કરવું જોઈએ.

સ્વપ્ન હતું :

એની અંદરના એકાન્તને નિખિલમાં વેરી દેવાનું;

એની અંદર ગળું દાબી બેસી રહેલા હાસ્યને

કોયલને ગળે બાંધી વસંતમાં રમતું મૂકવાનું.

પણ

બારસાખે લટકતાં ચોકિયાત ફૂલોની બેધારી નજર

હવે ચૂકે એમ લાગતું નથી.

બારણું બંધ થવું જોઈએ.

નહીં તો

રાતે વેદનાને દોરડે લટકતું મારું શબ

રોજ સવારે તમારે જોવુ પડશે.

નિખિલ : સમગ્ર. સમસ્ત.

સ્રોત

  • પુસ્તક : રાનેરી (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સર્જક : મણિલાલ દેસાઈ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1987
  • આવૃત્તિ : 2