ewun thay chhe ke - Free-verse | RekhtaGujarati

એવું થાય છે કે

ewun thay chhe ke

ગુલામમોહમ્મદ શેખ ગુલામમોહમ્મદ શેખ
એવું થાય છે કે
ગુલામમોહમ્મદ શેખ

એવું થાય છે કે

થીજેલ કોપરેલ જેવી પોષની ચાંદનીને

મસળીને આખા શરીરે ઘસું,

તો મારા શરીરમાં ઠરી ગયેલા જ્વાળામુખી

ફરી ઊગે.

એવું થાય છે કે

ધૂળનાં વધેરાયેલાં અંગોને

કોઈ આદિમ વેદનાના દોરે સીવું

તો ફરી એક વાર પથ્થરોને વાચા ફૂટે,

વેરાન ઘાસનાં હળો પર

મારા દેહનાં ખેતર ફેરવું

તો કદાચ ચામડીમાં ચાસ ફૂટે.

હીરાના ઝગઝગાટવાળી રાત પર

શેતાનના ફળદ્રુપ ભેજાના લોખંડથી મઢેલા હથોડા ઠોકું

તો એની નીચે ભરાઈ રહેલા ઈશ્વરોને

કરોળિયા થઈ નીકળવું પડે.

ટાઢાબોળ ત્રાંબા જેવી પૃથ્વી પર

સૃષ્ટિના પ્રથમ મંત્રની લીટી તાણું

અને ગુફાના અન્ધકારમાં દટાઈ ગયેલા સમયની કરચલીઓને

મરેલા સૂર્યોની ટાઢક ચાંપું

તો ફરી વાર

મારાં વન્યપશુ ઊંધમાં છંછેડાય

અને -

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 82)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989