waghno shikar - Free-verse | RekhtaGujarati

વાઘનો શિકાર

waghno shikar

કમલ વોરા કમલ વોરા
વાઘનો શિકાર
કમલ વોરા

બજારમાંથી ખરીદેલા બકરાને

ખભે લાદી હું તો નીકળી પડેલો

ત્યાં તો ખાખી ગણવેશ, ખાખી ટોપાવાળા અધિકારીએ

જંગલ વચ્ચોવચ્ચ આંતર્યો

કહે : જનાબ, વાઘ ઊંચકીને ક્યાં ચાલ્યા?

તો ખાતાનો ગુનો કહેવાય

હેઠે મૂકો અને ચાલતી પકડો નહીં તો થાણે તાબામાં લઉ

હું મનોમન બબડ્યો, વરુ કહ્યું હોત તો

જૂની વાર્તાનો હવાલો આપી પટાવી દેત

પણ આવડો તો સીધી વાઘસવારી પર છે

પછી કગરવું પડ્યું :

સાહેબ, તમને ગેરસમજ થઈ છે

વાઘ હોત તો

તમને દેખાયો તે અગાઉ મને ફાડી નાખ્યો હોત?

તમારી સામેય જુએ છે?

બકરાની તો માફી આપી જવા દો...

સાહેબની આંખમાં રાતાં ટશિયાં ફૂટવા લાગ્યાં

અને ડોળા બહારની તરફ લચી પડ્યા

ફરમાન આવ્યું :

કહો છો તો સાબિત કરો વાઘ નથી

પછીની ગાળ એકસોવીસ કલકત્તાની પિચકારીમાં વહી ગઈ

મેં કાકલૂદી કરી :

જુઓને સાહેબ, ધોળુંધબ બકરું છે

બેં ...બેં પણ કરે છે

કેવું સંકોચાઈને વળગ્યું છે

દેખાડો, છે એના શરીર પર ક્યાંય કાળા પટ્ટા?

સાહેબની રાતી જીભ લપકવા લાગી

ઉઘાડા જડબામાંથી કાળાપીળા દાંત

તણખા ચહેરો ખૂંખારતી આગ એકતો

ઘૂરકવા લાગ્યો

મારી પહેલાં તો

ખભે ચડેલું બકરું ધ્રૂજવા લાગ્યું

સાહેબની ત્રાડ આવી :

બોલો, વાઘ છે કે બીજું કાંઈ?

ભરાવદાર પંજાની તરાપ

અડધી મારી અડઘી બકરીની ગરદન ફરતે...

હું બકરું બકરું કરતો

ક્યાંનો ક્યાં ફંગોળાઈ ગયો

વાઘનો શિકાર કર્યો હોય એમ

બકરું ઝૂંટવી

સાહેબ કિકિયારી કરતા ઊંડે જંગલમાં દોડી ગયા

લોહીલુહાણ થઈ ગયેલો

હું ત્યાં પડી રહ્યો...

સ્રોત

  • પુસ્તક : જુઠ્ઠાણાં (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સર્જક : કમલ વોરા
  • પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
  • વર્ષ : 2023