chaDti rate - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચડતી રાતે ચન્દ્રે વાંકા વળીને જોયું

તો એના બન્ને પગ પીલુડીની જાળમાં ફસાઈ ગયા હતા.

એણે કહ્યું કે ખેતર વચાળે બેફામ પડેલી પીલુડી સાથે

મારે કશી નિસ્બત નથી.

પણ પીલુડી નીચે પાકા પીળા રંગના બે માણસા ઊભા હતા

(એમના શરીરમાં લીલા રંગનું લોહી વહેતું હતું)

એમણે ચન્દ્રને વિનવણી કરી

ના, આજની રાત રોકાઈ જાવ,

લીલપ બહુ બાળે છે

તમે રોકાશો તો ઓલવાશે.

પાણી તો ત્યાં હતું નહિ

પણ ખાલી છીપમાં

નાસી ગયેલી માછલીનો આકાર તરફડતો હતો

એની ઓથે સૂતેલા લાલ મંકોડાએ કહ્યું:

હા, રોકાઈ જાવ,

ધૂળ બહુ ઊડે છે, વંટોળ પર વંટોળ આવ્યા કરે છે

તમે રહેશો તો ઠરીને ઠામ બેસશે.

પરંતુ થોડે દૂર

અડધા અંધારે, હવાના અથડાવાથી હસતી

આકડાના ફૂલની જાંબલી, ઘેરી આંખ

ચન્દ્રને ઇશારા કરવા લાગી:

ઊતરો, ઊતરોને

પછી હું તમને જોઉં છું.

ઊતરો, ઊતરો, તમારી એક વાત છાની નહિ રહેવા દઉં.

તે રાત્રે પશ્ચિમનો ચન્દ્ર હસી શકયો નહિ.

મોડેથી એના પેટમાં કાણું પાડી પવન પસાર થયો.

એણે પોતાની જાતને સળી જેટલી ઝીણી થઈ ત્યાં સુધી

છોલાવા દીધી.

સવારે એના હાડપિંજરને કવિઓની આંખોએ ચૂંથી ખાધું.

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 78)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989