boot wibhuti - Free-verse | RekhtaGujarati

બૂટ વિભૂતિ

boot wibhuti

ભૂપેશ અધ્વર્યુ ભૂપેશ અધ્વર્યુ
બૂટ વિભૂતિ
ભૂપેશ અધ્વર્યુ

પર્વતોમાં જે હિમાલય છે,

વૃક્ષોમાં જે અશ્વત્થ છે,

તે

સભાખંડ કે મંદિરનાં દ્વાર કે પગલૂછણિયા પાસેના ઝમેલામાં

આમતેમ એકબીજા સાથે ખૂણા રચતા ખૂણા તોડતા ચપ્પટ

એકબીજાની પાસે એકમેકનાં અર્ધાંગને ચૂસતા

યુગ્મો.

ઊંધા તરુવરના મૂળને ટેટા બાઝ્યા. બાઝયા ને ફૂટ્યા,

ફૂટતાં સભાખંડ કે મંદિરનાં દ્વાર પાસે ખૂણા રચતા

તોડતા ચૂસતા અર્ધાંગને આજે

ગુજરાતીમાં હું દ્વિવચન, નહીં યુગ્મવચન શોધું છું.

ચર્માલયમાંથી તે બહાર પડી ચૂક્યું છે.

જે મુનિઓમાં વ્યાસ, કવિઓમાં ઉશનસ્, નરોમાં નરાધિ છે,

તે મને શોધે છે.

અનેક રસ્તાઓ ભમે છે.

અનુભવી એસ. ટી. કંડકટરની ત્વરાથી એક પછી એક

પગ બદલતો પગ પછી પગને જળોની જેમ ચોંટતો તરછોડતો

લબરમૂછિયો

પોતાની સાથવાળા મૂછિયાને ઘસડતો, સંભોગતો સંભોગતો ઘસડતો

નપુંસકતાની ચરમ ટોચ બનીને મારી પરમખીણને શોધે છે.

મારા પગની રેખાઓ પર આજુબાજુ

ચરણામૃત બનવાની પિપાસાથી

ફીણ વળતા મોંવાળી અનેક રજ ચોંટી ચૂકી છે.

પર્વતોમાં જે હિમાલય નથી. વૃક્ષોમાં નથી જે અશ્વત્થ

નથી મારામાં જે યુગ્મ.

તે સઘળું નથી.

તો કંદર્પની કાકી જેવી કાણી ચંપલો ચપલ દિવ્યચક્ષુનો

ડોળો બાંડો કરી

કોના વિશ્વરૂપને દર્શી રહી છે?

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 249)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004