boot - Free-verse | RekhtaGujarati

ટેબલ નીચે મોં ચડાવી બેઠા જેવા બેય

ઓલ્યો આમ તાકે ઓલ્યો તેમ

બોખા મોંનું કૂતરું લબડતી જીભે આવે, સૂંઘે ને ઓરું ખસે

આવે, સૂંઘે ને ઓરું ખસે.

રાતુડિયાઓ, ખત્રવટ મા ચૂકો,

ના લજવો માવડી ગાવડીનું દૂધ—કાં ત્રાગળાં બની બેઠાં?

રાતુડિયાં મારા ટેબલ નીચે સૂનમૂન.

ના છાપ્યું એક્કે પગલું.

ના ચમચમ ઝાંઝર બોલ્યાં.

ના ખદડૂક ઘોડા દોડ્યા.

અનુભવ—અધસંભોગેલી સિગારેટનું ધુમાડા ઉડાડતું ટોપકું

ઘા ભેગું છૂંદી નાખવાનો —છોડી

ભચ્ચાક્ દઈ કાદવમાં ભચકાયા, રામ!

એની બાંધેલી દોયડીનું ફૂમતું આમ ઝૂલે તેમ ઝૂલે

કાદવની હડ્ડી-પેશી દેડકીની જેમ કૂદીને પાલીસને પરણી બેસતાં

પાલીસનું કટાણું મોં.

રાતુડિયાંની માંયનું માજરું ભોંયરું પગનો પોપટો પૂરીને

બેઠું છે

પોપટો મરચું ના ખાય.

કે પોપટો કાદવડે જાય.

કન્ટ્રીની બાટલી ફદિયામાં મળે.

ફૂમતાનું દારોગું આમ ઝૂલે તેમ ઝૂલે.

પીઠની નીચે એડીના કૂલા

રાતુડિયાંની —ઊધઈએ ખાધાં ઇંધણાં—

—ની ફાંદ અચાનક ફૂટી, ને ફૂટતાં

ઝબક્યો દારોગો સા’બ ઝબક્યો.

હબક્યો દારોગો સા’બ હબક્યો કે પોપટો નાસી છૂટ્યો રે લોલ

પરપોટિયો ભાગી છૂટ્યો રે લોલ

પરણેલા પાલીસના કરોડ વગરના વાંસે

રાતુડિયાની એડીના કૂલા વીંઝાયા સબોસબ સબોસબ

સ્રોત

  • પુસ્તક : પ્રથમ સ્નાન (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સર્જક : ભૂપેશ અધ્વર્યુ
  • સંપાદક : મૂકેશ વૈદ્ય, જયદેવ શુક્લ, રમણ સોની
  • પ્રકાશક : ધીરેશ અધ્વર્યુ
  • વર્ષ : 1986