બટકણી ભાષાના ધાગાથી
batakanii bhaashaanaa dhaagaathii
લાભશંકર ઠાકર
Labhshankar Thakar

બટકણી ભાષાના ધાગાથી સીવતી કોટ રે
છે શિયાળો.
નિર્વસન, વસન આશાનું પકડી
એકાગ્ર આંખથી
દરજણ કવિતા
સીવતી કોટ રે, છે શિયાળો.
નથી માપપટ્ટી કે કાતર,
કાનામાતરના રણકારે, કાન સહારે
ગણગણતી,
વગર અણીની સોય લઈને કોડભરી ઉત્સુક
સીવતી કોટ રે, છે શિયાળો.
સીવતાં સીવતાં ધાગો બટકી જાય
પરોવતાં રે ગાંઠ વગરનો ધાગો સરકી જાય
શતકોનાં શતકો ઊંટોનાં
સોયના કાણામાંથી
સરક સરકી જાય રે.
વ્હાણાથી બેઠી બેઠી, કાણાને શોધી
મમળાવી ધાગો મોંમાં
ધીરજ ખંતથી પરોવવા તત્પર
દરજણ કવિતા
સફળ યત્નથી સ્મિતભરી, સીવતી કોટ રે
છે શિયાળો.
કંપિત અંગ-આંગળાં
લયમાં
સંકોરી કાવ્યભાન
ખંતીલી તંતીલી
વેદના વારાથી
દરજણ કવિતા
સીવતી કોટ રે, છે શિયાળો.



સ્રોત
- પુસ્તક : ખખડતી ખેંચે કવિતા કોણ? (પૃષ્ઠ ક્રમાંક 134)
- સર્જક : લાભશંકર ઠાકર
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2005