Barter System - Badla paddhati - Free-verse | RekhtaGujarati

બાર્ટર સિસ્ટમ – બદલા પદ્ધતિ

Barter System - Badla paddhati

સંસ્કૃતિરાણી દેસાઈ સંસ્કૃતિરાણી દેસાઈ
બાર્ટર સિસ્ટમ – બદલા પદ્ધતિ
સંસ્કૃતિરાણી દેસાઈ

માંગ્યો હતો થોડા વખત પહેલાં, આ મેં પહેરેલો વેશ

પણ હવે બદલવો છે મારે આ જામો

ને આપી દેવો છે કોઈને મારો આ લેબાસ.

પણ એમને એમ જ કાઢીને ન બેસી જવાય આ પહેરવેશ

તો તો અસ્તિત્વ જ ન રહે પળવારમાં

બરાબર 'ફિટ' થવો જોઈએ

આપણે લીધેલો વેશ

અને બીજા એ લીધેલો લેબાસ.

ખોળા જેવો ન હોવો જોઈએ.

પાછા લાગવા જોઈએ આપણે એમા સ્માર્ટ.

સહેલું નથી આ કાર્ય 'બાર્ટર સિસ્ટમ'નું

બદલા પદ્ધતિ માત્ર બે જણા વચ્ચેની ચાલે નહીં આમાં....

જ્યારે તમારે આપવું હોય ત્યારે લેનારો મળવો જોઈએ

અને તે જ વખતે, તમારા ધોરણ પ્રમાણેનો આપનારો પણ મળવો જોઈએ.

ઘણીવાર આમ તો બદલ્યા છે મેં આ વેશ

જોકે છેલ્લે કોઈ જરૂર નથી રહેતી જામાની

રહેતું જ નથી અસ્તિત્વ અલગથી આપણું

પણ જન્મોથી સતત ચાલે છે આ ઘટમાળ,

એક વેશને પછી બીજો ને પછી ત્રીજો...

સ્રોત

  • પુસ્તક : શબ્દદાબડીઓ (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સર્જક : સંસ્કૃતિરાણી દેસાઈ
  • પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની
  • વર્ષ : 2020